- લાલપુર જામજોધપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી માન્યો આભાર
જામનગર સમાચાર : જામનગર જિલ્લાના જામજોધપુર લાલપુર પંથકને વિકાસનો પંથ આપવા સરકાર દ્વારા 45 કરોડના રોડ રસ્તાના કામો પર મંજૂરીની મહોર લગાવાઈ છે. જેને લઇને આ વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ મામલે તેઓએ લેખિત રજૂઆત કરી અને જણાવ્યું હતું કે સરકાર દ્વારા જામજોધપુર-લાલપુર તાલુકાના ૪૫.૩૦ કરોડના, કુલ ૨૪ રસ્તાઓ મંજુર કરવામાં આવ્યા છે. જે બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છુ.
૪૫.૩૦ કરોડના રોડ-રસ્તાઓ મંજુર
જામજોધપુર-લાલપુર વિસ્તારના ઇતિહાસમાં પ્રથમ વખત ૪૫.૩૦ કરોડના રોડ-રસ્તાઓ એકીસાથે મંજુર થયા છે. ભૂતકાળમાં જામજોધપુર-લાલપુર તાલુકામાં રોડ-રસ્તા બાબતે ખુબ જ અન્યાય થતો આવ્યો છે જેના લીધે આ વિસ્તારના મોટાભાગના રોડ-રસ્તાઓ ઘણા સમયથી રી-સરફેસ કરવામાં આવ્યા નથી. આથી આ રસ્તાઓ ખુબ જ બિસ્માર હાલતમાં છે. જેના માટે અમો દ્રારા ૬૯.૮૦ કરોડના, ૧૩૪ કિમી લંબાઈના કુલ ૩૫ રસ્તાઓ મંજુર કરવા માટે માંગણી કરવામાં આવેલ હતી જેની સામે આપશ્રી દ્વારા ૪૫.૩૦ કરોડના ૨૪ રસ્તાઓ મંજુર કરવામાં આવ્યા છે.પરંતુ હજુ મારા મત વિસ્તારના ૧૧ રસ્તાઓ સાત વર્ષ કરતા વધારે સમયથી રી- સરફેસ કરવામાં આવ્યા નથી. તો આવા રસ્તાઓ વહેલામાં વહેલી તકે મંજુર કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે.