રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડના વિસ્તારોમાં નિયમિત સફાઈ થાય, ડોર ટુ ડોર કલેકશન થાય તે મુજબ તબકકાવાર કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વોર્ડ નં.૧૧માં અમુક વિસ્તારો નિયમિત સફાઈ માટે પડતર રહેતા હતા. તેવા તમામ વિસ્તારોમાં નિયમિત સફાઈ થાય તે માટે આજરોજ કોન્ટ્રાકટ બેઈઝથી ૪૫ કામદારો ફાળવવામાં આવેલ.
આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વીભાઈ ભોરણીયા, વોર્ડ નં.૧૧ના પ્રમુખ પ્રવિણભાઈ પાઘડાળ, પ્રભારી અશ્વીનભાઈ પાંભર, મહામંત્રી સંજયભાઈ દવે, આયદાનભાઈ બોરીચા, રસિકભાઈ મુંગરા, રાજુભાઈ ડાંગરીયા વગેરે ઉપસ્થિત રહેલ અને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સફાઈ કામદારોને ઓર્ડર આપવામાં આવ્યા હતા.
સતત ગેરહાજર સફાઈ કામદારને પાણીચું
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વોર્ડ નં.૨/બમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ બચુભાઈ ચૌહાણ તેમના ઉપરી અધિકારીની કોઈપણ જાતની લેખિત કે મૌખિક પૂર્વમંજુરી લીધા વગર તેમની ફરજ પરથી છેલ્લા ઘણા સમયથી સતત ગેરહાજર રહેલ છે. જેના કારણે લગત વોર્ડના વિસ્તારમાં સફાઈની અનેક ફરિયાદો ઉપસ્થિત થાય છે. તેમજ કોર્પોરેશનના સરળ વહિવટમાં પારાવાર વિક્ષેપ પડેલ છે તેમ મ્યુનિ.કમિશનર પાનીએ જણાવેલ હતું.
વધુમાં જણાવતા કહેલું કે, મજકુર સફાઈ કામદાર તેમના ઉપરી અધિકારીની કોઈપણ જાતની લેખિત કે મૌખિક પૂર્વમંજુરી લીધા વગર તેમની ફરજ પરથી ગત તા.૧૧/૦૫/૨૦૧૬થી બિનઅધિકૃત રીતે ગેરહાજર છે. અગાઉ મજકુરની ફરજ પરની લાંબી ગેરહાજરી સબબ નોટીસ આપવામાં આવેલ છે.
જેના જવાબમાં મજકુર દ્વારા લેખીતમાં પૂર્વ મંજુરી વગર ગેરહાજર રહેલ હોવાની કબુલાત કરવામાં આવેલ છે. મજકુરની બિનઅધીકૃત લાંબા સમયની ગેરહાજર સબબ તેઓને આખરી નોટિસ આપવામાં આવેલ પરંતુ મજકુર દ્વારા તેનો જવાબ આપવાની પણ તસ્દી લીધેલ નથી.