ગેઝેટમાં નામ પ્રસિધ્ધ થયાના કલાકોમાં જ સત્તાનો નશો ચડી ગયો કે શું?
ભાજપના 68 માંથી માત્ર 23 નગરસેવકોને જ નર્મદાના નીરનું સ્વાગત કરવાનો સમય મળ્યો: પ્રજાને સીધી અસર કરતા મુદ્દે પણ જનપ્રતિનિધિઓ શરૂઆતથી જ બેદરકાર
રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દીધુ છે. મુખ્યમંત્રી પ્રજાના પ્રશ્ર્ને સતત જાગૃત છે. પરંતુ રાજકોટવાસીઓએ જેને ખોબલા મોઢે મત આપી જન પ્રતિનિધિ બનાવ્યા છે તેવા ભાજપના કોર્પોરેટરોને જાણે ગેઝેટનમાં નામ પ્રસિધ્ધ થયાના કલાકોમાં જ નશો ચડ્યો હોય તેમ ગઈકાલે આજી ડેમમાં નર્મદાના નીરના વધામણા કરવા ભાજપના 68 પૈકી માત્ર 23 કોર્પોરેટરો જ હાજર રહ્યાં હતા જ્યારે 45 કોર્પોરેટરોએ બપોરના સમયે આરામ કરવાનું મુનાસીફ સમજ્યું હોય તેવો સીનારીયો જોવા મળ્યો હતો. મેયર પદ માટે જેના નામો ચર્ચાઈ રહ્યાં છે. તે દાવેદારો પણ ગેરહાજર રહ્યાં હતા તો બીજી તરફ જેને પક્ષે રીપીટ નથી કર્યા તેવા પૂર્વ ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાએ એક જાગૃત સેવક તરીકે હાજરી આપવાની તસ્દી લીધી હતી. હજુ તો બોડી કાર્યરત પણ નથી થઈ ત્યાં જાણે ભાજપના નગરસેવકોને સત્તાનો નશો ધીમે ધીમે ચડવા લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટવાસીઓને ચોમાસા સુધી નિયમીત 20 મીનીટ પાણી આપી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 650 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરી હતી. જેનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ સ્વીકાર કર્યો હતો અને ગઈકાલથી આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આજીમાં નર્મદાના નીરના વધામણા નવા ચૂંટાયેલા નગરસેવકો દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ જાણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાને સીધી અસર કરતા પ્રશ્ર્નોની પણ રતિભાર ફિકર ન હોય તેવું જોવા મળ્યું હતું.
કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર નર્મદા નીરના વધામણા કરવા માટે આજી ડેમે ડોકાયા ન હતા તો બીજી તરફ ભાજપના 68 માંથી માત્ર 23 નગરસેવકોએ જ માં નર્મદા મૈયાના વધામણા કર્યા હતા. પૂર્વ ડે.મેયર વિનુભાઈ ધવા, રવજીભાઈ મકવાણા, સુરેન્દ્રસિંહ વાળા, પુષ્કરભાઈ પટેલ, બીપીનભાઈ બેરા, ચેતનભાઈ સુરેજા, જીતુભાઈ કાટોળીયા, ભાવેશભાઈ દેથરીયા, નિરુભા વાઘેલા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, દિલીપભાઈ લુણાગરીયા, હાર્દિક ગોહેલ, દેવુબેન જાદવ, જ્યોત્સનાબેન ટીલાળા, જયશ્રીબેન ચાવડા, કંકુબેન ઉદરેજા, ભારતીબેન મકવાણા, ડો.દર્શિતાબેન શાહ, ડો.દર્શનાબેન પંડ્યા, ડો.રાજેશ્ર્વરીબેન ડોડીયા, રશિલાબેન સાકરીયા અને મંજુબેન કુગશીયા એમ 23 કોર્પોરેટરોએ જ પોતાના કાર્યકાળના પ્રથમ કાર્યક્રમમાં હાજરી આપવાની તસ્દી લીધી હતી જ્યારે ભાજપના 45 નગરસેવકોએ બપોરના સમયે કાર્યક્રમ હોય જાણે ઘરે આરામ કરવાનું મુનાસીફ સમજ્યું હોય તેમ તેઓએ આજી ડેમ ખાતે ડોકાયા પણ ન હતા.
બીજી નોંધનીય એ બાબત છે કે, હાલ મેયર પદ માટે જે લોકોના નામ દાવેદાર તરીકે ચર્ચાઈ રહ્યાં છે તે નગરસેવકો પણ ગેરહાજર રહ્યાં હતા. આજી ડેમે નર્મદા મૈયાના વધામણા કરવા માટે ડો.અલ્પેશભાઈ મોરઝરીયા, પ્રદિપ ડવ, નરેન્દ્ર ડવ, નિલેશ જલુ અને હિરેન ખીમાણીયા સહિતના એવા લોકો કે જેના નામ મેયર પદ માટે ચર્ચાઈ રહ્યાં છે તે પણ ડોકાયા ન હતા. સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન અને ડે.મેયર પદે જેના નામની ચર્ચા ચાલી રહી છે તેવા જન પ્રતિનિધિઓએ પણ આજી ડેમ સુધી જવાની તસ્દી લીધી ન હતી. ત્યારે શહેરીજનોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, તેઓએ જેમને જંગી લીડ સાથે જીતાડી નગરસેવક તરીકે ચૂંટ્યા છે તે ખરેખર તેમના પ્રશ્ર્નો હલ કરવા માટે ભવિષ્યમાં રસ લેશે કે પછી આળસમાં પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ કાઢી નાખશે.