- ગુજરાતને રમતગમત ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાને લઈ જવા સંકલ્પ:હર્ષ સંઘવી
રાજ્યના 44 પ્રતિભાશાળી રમતવીરોને આજે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્ત ’ખેલપ્રતિભા પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યા હતા. આ 44 ખેલાડીઓને રૂ. 1.38 કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
આ તકે મંત્રીએ કહ્યું કે, ગુજરાતનું ભવિષ્ય રમત ગમત ક્ષેત્રે ખૂબ ઉજ્જવળ છે. ગુજરાતના ખેલપ્રેમી યુવાઓ પુરુષાર્થ કરે, કેપેબિલિટી પ્રમાણે પ્રત્યેક ખેલાડીઓને સંપૂર્ણ મદદ કરવા રાજ્ય સરકાર તત્પર છે.
રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલપ્રતિભા પુરસ્કાર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપ સૌ ખેલાડીઓએ ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. રાજ્યમાંથી ખેલ પ્રતિભાઓ શોધવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. રમતવીરોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને રમતગમત ક્ષેત્રે અલગ અલગ લેવલ પર આગળ વધી શકે તે પ્રકારે આયોજન કરી ઈન સ્કૂલ અને ઉકજજ તથા શક્તિ દુત યોજના થકી રાજ્યના ખેલાડીઓને તમામ જરૂરી સુવિધાઓ અને તાલીમ પૂરી પાડવામાં આવે છે. ખેલાડીઓની મહેનત અને રાજ્ય સરકારના સપોર્ટ થકી અનેક ખેલાડીઓ નેશનલ એવોર્ડ વિજેતાની યાદીમાં આવ્યા છે. ખેલ મહાકુંભમાં ગામમાં વિજેતા બન્યા બાદ દેશ માટે મેડલ લઈ આવનાર તમામ ખેલાડીઓએ પોતાના વિસ્તારમાં આયોજિત થતાં ખેલમહાકુંભમાં હાજરી આપી આ કાર્યક્રમથી થતાં ફાયદા અને વધુ ને વધુ ખેલપ્રેમીઓને સહાયરૂપ થવા મંત્રીશ્રી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
રાજ્યના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના ખેલપ્રેમી યુવક-યુવતીઓ રમતગમત ક્ષેત્રે વધુને વધુ આગળ વધે તે હેતુસર તેમને વિવિધ રમતોની તાલીમ, માર્ગદર્શન અને માળખાકિય સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરીણામે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના રમતવીરોએ દેશ-વિદેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે અને ગુજરાત માટે અનેક ચંદ્રકો મેળવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ખેલપ્રવૃત્તિને પ્રોત્સાહક અને વધુ પરિણામલક્ષી બનાવવા માટે મહત્વાંકાક્ષી યોજનાઓ અમલમાં મુકી છે. તે પૈકી વર્ષ : 2014-15થી રાજ્યના રમતવીરોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવા “ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના” અને વર્ષ : 2016-17 થી દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અમલમાં છે.
રાજ્યના રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને તેમજ જનરલ ઓલમ્પિક સિવાય પેરા ઓલમ્પિક્સ, મેન્ટલી ચેલેંન્જ ખેલાડીઓ, ડેફ-ડમ અને બ્લાઇન્ડ ખેલપ્રતિભા શાળી ખેલાડીઓને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવે છે.
રાજ્યના રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવાની યોજના અમલમાં છે. જે અન્વયે આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓલમ્પિક ગેમ્સ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ/એશિયન ચેમ્પિયનશીપ (સિનીયર્સ), કોમનવેલ્થ ગેમ્સ/ એશિયન ચેમ્પિયનશીપ(જુનીયર્સ) સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતિય સ્થાન મેળવનાર ગુજરાતના ખેલાડીઓને રૂા.પ.00 કરોડથી લઇને રૂા.10.00 હજાર જેટલા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
આજે રાજ્યના રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી કુલ : 44 ખેલાડીઓને કુલ રૂ.1,38,20,000/- (અંકે રૂપિયા એક કરોડ આડત્રીસ લાખ વીસ હજાર પુરા) ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં એશિયન ચેમ્પિયનશીપ જેવી સ્પર્ધામાં મેડલ વિજેતા માનવ ઠક્કર (ટેબલ ટેનીસ) ને રૂ.23,20,000/- (અંકે રૂપિયા ત્રેવીસ લાખ વીસ હજાર પુરા),હરમીત દેસાઈ (ટેબલ ટેનીસ) રૂ.23,20,000/- (અંકે રૂપિયા ત્રેવીસ લાખ વીસ હજાર પુરા), કુ.શાહીન દરજાદા (જુડો) રૂ.15,00,000/- (અંકે રૂપિયા પંદર લાખ પુરા), કુ.નીરવી હેક્કડ (ટેકવોન્ડો) રૂ.10,00,000/- (અંકે રૂપિયા દસ લાખ પુરા) અને મિહિર નલિયાપરા (ટેકવોન્ડો) રૂ.10,00,000/- (અંકે રૂપિયા દસ લાખ પુરા) સહીત એસોસીએશન ધ્વારા રમાતી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓ, એસ.જી.એફ.આઈ સ્પર્ધા અને ખેલો ઇન્ડિયા સ્પર્ધાના વિજેતા એવા કુલ : 44 ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
વર્ષ : 2014-15થી અત્યાર સુધીમાં ગુજરાતનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેળવનાર જનરલ તેમજ દિવ્યાંગ કેટેગરીના ખેલાડીઓને નીચેની વિગત પ્રમાણે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
આમ, અત્યાર સુધીમાં સરકારની ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અન્વયે ગુજરાત રાજ્યના રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કુલ : 1587 રમતવીરોને કુલ રૂ.23,55,99,000/- (અંકે રૂપિયા ત્રેવીસ કરોડ પંચાવન લાખ નવ્વાણું હજાર પુરા)ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે અગ્ર સચિવ અશ્વિની કુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર.એસ.નિનામા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આઇ.આર.વાળા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અર્જુનસિંહ રાણા તેમજ ખેલ પ્રતિભા પુરસ્કૃત ખેલાડીઓ અને તેમના વાલી ઉપસ્થિત રહ્યા હતા.