કુલ 13 ગામોની 21.50 હેક્ટર ખાનગી જમીન તેમજ 23.14 હેક્ટર સરકારી જમીન ડબલિંગ પ્રોજેકટના ઉપયોગમાં લેવાશે
11 ગામોના આખરી જાહેરનામા પ્રસિદ્ધ, હવે એકમાત્ર પડધરી ગામનું જાહેરનામું બાકી
રાજકોટ-કાનાલુસ રેલ્વે ડબલિંગ પ્રોજેક્ટ માટે કુલ 44.65 હેક્ટર જમીન સંપાદિત થશે. જેમાં કુલ 13 ગામોની 21.50 હેક્ટર ખાનગી જમીન તેમજ 23.14 હેક્ટર સરકારી જમીન ઉપયોગમાં લેવાશે. આ માટે 11 ગામોના આખરી જાહેરનામા પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. જ્યારે હવે એકમાત્ર પડધરી ગામનું જાહેરનામું બાકી છે. હાલ આ સમગ્ર કામગીરી ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે.
ભારત સરકાર દ્વારા રાજકોટ- કાનાલુસ રેલ્વે સિંગલ લાઈનને ડબલ લાઈન કરવાના ખાસ પ્રોજેક્ટ માટે રાજકોટ તાલુકાના માધાપર, ઘંટેશ્વર, પરાપીપળીયા, પડધરી તાલુકાના જોધપર, મોવૈયા, રામપર, મોટા ચણોલ, મોટા હડમતીયા, ખંઢેરી, તરઘડી, નારણકા, વણપરી તથા પડધરી મળી કુલ 13 ગામોના 183 સર્વે નંબરોની ખાનગી 21.50 હેક્ટર જમીન તેમજ 77 સર્વે નંબરોની 23.14 હેક્ટર સરકારી જમીન મળી કુલ 260 સર્વે નંબરોની 44.65 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે. થાય છે. આ માટેના ભારત સરકારના આખરી જાહેરનામાની મુદત પૂરી થયે ખાનગી માલિકીની જમીનના વળતર અંગેના એવોર્ડ જાહેર કરવામાં આવશે.
111 કિલોમીટરના આ રેલવે ડબલીંગ પ્રોજેક્ટમાં રાજકોટ અને જામનગર જિલ્લાના જુદા જુદા ગામોના સમાવેશ થાય છે. આ રેલવે ડબલ લાઈનથી અમદાવાદ તરફથી આવતી ટ્રેનોની સ્પીડ વધી જવાથી પેસેન્જરનો પ્રવાસનો સમય બે થી ત્રણ કલાક સુધીનો ઓછો થશે તેમ જ લાઈન પર આવતી જતી માલગાડીઓ પણ ખૂબ જ ઓછા સમયમાં માલની હેરફેર કરી શકશે તેમ પ્રાંત અધિકારી વિવેક ટાંકની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ અને મોટી ચણોલમાં રેલવેની જ જમીન નીકળતા જાહેરનામું ડ્રોપ
તંત્ર દ્વારા રાજકોટ અને મોટી ચણોલમાં ટ્રેક આસપાસ રેલવેની જ જમીન નીકળતા આ બન્નેના જાહેરનામા ડ્રોપ થઈ ગયા હતા. એટલે તંત્ર દ્વારા હવે 13 ગામોને ધ્યાને રાખીને જ જાહેરનામાની કામગીરી કરવાની થતી હતી. હાલ સંપાદનની સમગ્ર કામગીરી ઝડપથી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પડધરીમાં રીસર્વે સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ આખરી જાહેરનામું પ્રસિદ્ધ થશે
મળતી માહિતી અનુસાર પડધરીમાં હાલ જમીનની સાચી સ્થિતિ જાણવા અર્થે રિસર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. માટે અહીંની જમીનનું આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. વધુમાં પડધરી રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ પણ કરવાનું છે. આ તમામ મુદાઓને ધ્યાને લઈને ટૂંક સમયમાં અહીંની જમીન સંપાદિત કરવા માટે આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.