- 6.4 લાખ કેસો સાથે રાજસ્થાન મોખરે જયારે ગુજરાત ત્રીજા ક્રમે: ફક્ત 10 રાજ્યોમાં 33.17 લાખ કેસો પેન્ડિંગ
- 18 ડિસેમ્બર સુધીમાં દેશભરની વિવિધ અદાલતોમાં ચેક બાઉન્સના 43 લાખ કેસ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન 6.4 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે જે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટોચ પર છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, યુપી અને બંગાળનો ક્રમ આવે છે.
ટ્રાફિક ચલણ અને ચેક બાઉન્સના કેસ મળીને ભારતભરની અદાલતોમાં મોટી સંખ્યામાં પેન્ડિંગ કેસ છે. જ્યારે સરકારે વર્ચ્યુઅલ કોર્ટ દ્વારા ટ્રાફિક ચલણ ચૂકવવાનો વિકલ્પ શરૂ કર્યો છે, ત્યારે પુરાવા રેકોર્ડિંગ અને સાક્ષીઓની રજૂઆતો સામેલ હોય તેવા કેસોના ગુનાહિત સ્વભાવને ધ્યાનમાં રાખીને ચેક-બાઉન્સના કેસ નિયમિત અદાલતોમાં ચલાવવામાં આવે છે.
કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે તાજેતરમાં 20 ડિસેમ્બરે સંસદમાં એક લેખિત જવાબમાં માહિતી આપી હતી કે ચેક બાઉન્સ સંબંધિત કેસોના નિકાલમાં વિલંબ થવાના ઘણા કારણો છે, જેમાં વારંવાર મુલતવી રાખવા અને સુનાવણી માટે કેસોનું નિરીક્ષણ, ટ્રેક અને બંચ કરવા માટે પૂરતી વ્યવસ્થાનો અભાવ, ઉપરાંત વિવિધ પ્રકારના કેસોના નિકાલ માટે સંબંધિત અદાલતો દ્વારા નિર્ધારિત સમયમર્યાદાનો અભાવ શામેલ છે.
ચેક બાઉન્સનાં આંકડા વિશે જો વાત કરવામાં આવે તો કુલ 43,05,932 પેન્ડિંગ કેસો પૈકી 6,41,898 કેસો સાથે રાજસ્થાન મોખરે છે. જયારે મહારાષ્ટ્રમાં 5,89,836 કેસો, ગુજરાતમાં 4,73,236 કેસો, દિલ્લીમાં 4,54,653 કેસો, યુપીમાં 3,76,298 કેસો, પશ્ચિમ બંગાળમાં 2,86,191 કેસો, હરિયાણામાં 2,40,843 કેસો, એમપીમાં 1,92,120 કેસો, તમિલનાડુંમાં 1,51,932 કેસો અને પંજાબમ્સ 1,50,357 કેસોનો ભરાવો છે આમ ફક્ત 10 રાજ્યોમાં જ 33. 17 લાખ કેસોનો ભરાવો છે.