- સૌરાષ્ટ્ર-કચ્છમાં 31000 લોકોએ પાસપોર્ટ પણ મેળવ્યા
- માત્ર પત્રો અને
- પાર્સલ જ નહી પોસ્ટ વિભાગ લોકોને ઘરે બેઠા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડી રહ્યું છે: કૃષ્ણકુમાર યાદવ
સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવની અધ્યક્ષતામાં ક્ષેત્રના વિભાગીય વડાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટના પ્રવર ડાક અધિક્ષક એસ. કે. બુન્કરે રાજકોટમાં પ્રથમ વખત આગમન કરેલા પોસ્ટમાસ્ટર જનરલનું સ્વાગત કરી પરિક્ષેત્ર દ્વારા કરવામાં આવેલા કાર્ય અને પ્રાપ્ત સિદ્ધિઓની માહિતી આપી હતી.
આ તકે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ટપાલ સેવાઓ અદ્યતન ટેકનોલોજી અપનાવીને સતત નવા પરિમાણો સર્જી રહી છે. બદલાતા વાતાવરણમાં ટપાલ વિભાગ નાણાકીય સમાવેશન, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. પત્રો અને પાર્સલની સાથે ટપાલ વિભાગ સરકારની તમામ લોકકલ્યાણ યોજનાઓ અને તેના લાભો પણ લોકો સુધી પહોંચાડી રહ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરતા તેમણે કહ્યું હતું કે, આ પરિક્ષેત્રમાં હાલમાં કુલ 45 લાખથી વધુ બચત ખાતા, લગભગ 9.39 લાખ આઇ.પી.પી.બી. ખાતા, 3.97 લાખ સુક્ધયા સમૃદ્ધિ ખાતા અને 37,000 મહિલા સમ્માન બચત પ્રમાણપત્રો ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત 426 ગામોને ’સંપૂર્ણ સુક્ધયા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે આવરી લેવામાં આવ્યા છે, 740 ગામોને ’સંપૂર્ણ વીમા ગ્રામ’ તરીકે આવરી લેવામાં આવ્યા છે, અને 16 ગામોને ’ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં 31,000 કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે. 91,000 લોકોએ પોસ્ટ ઓફિસ મારફત આધાર નોંધાવ્યું અથવા અપડેટ કર્યું છે, જ્યારે 76,000 લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા સી.ઈ.એલ.સી.માંથી લાભ મેળવ્યો છે. 30,000 કરતાં વધુ લોકોએ આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ મારફત 15 કરોડ રૂપિયાના ચુકવણાં ઘરના દરવાજે મેળવ્યા છે.
પોસ્ટમાસ્ટર જનરલ યાદવે ઉમેર્યું હતું કે, પત્ર અને પાર્સલની સાથે ટપાલ વિભાગમાં સેવિંગ્સ બેંક, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ કેન્દ્રો, કોમન સર્વિસ સેન્ટર અને ડાક નિર્યાત કેન્દ્ર પણ કાર્યરત છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો આજે મોબાઈલ બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. સી.ઈ.એલ.સી. હેઠળ, તમામ સેવાઓ જેવી કે ઘરે બેઠા બાળકોના આધાર બનાવવા, મોબાઇલ અપડેટ કરવા, ડિજિટલ જીવન પ્રમાણપત્ર, ડી.બી.ટી., બિલની ચુકવણી, એ.ઈ.પી.એસ. દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે.
પોસ્ટમાસ્ટર જનરલએ નાણાંકીય વર્ષના બાકીના દિવસોમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર તેમજ સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, જાહેર ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકયો હતો.આ પ્રસંગે રાજકોટ મંડળના પ્રવર ડાક અધિક્ષક એસ. કે. બુન્કર, સહાયક નિદેશક એમ. એચ. હરન, આર.આર. વિરડા, જે.કે. હિંગોરાણી, કે.એસ. ઠક્કર, રાજકોટ પ્રવર ડાકપાલ અભિજીત સિંહ, પી.એસ.ડી ડાક અધિક્ષક એમ.ડી.દાનાણી, અમરેલી મંડળના ડાક અધિક્ષક બી.એન.પટેલ, ભાવનગર મંડળના ડાક અધિક્ષક ડી. એચ. તપસ્વી, ગોંડલ મંડળના ડાક અધિક્ષક કે. એસ. શુક્લા, જામનગર મંડળના ડાક અધિક્ષક વિપુલ ગુપ્ત, જૂનાગઢ મંડળના ડાક અધિક્ષક એ. એચ. ચાવડા, પોરબંદર મંડળના ડાક અધિક્ષક આર. જે. પટેલ, કચ્છ મંડળના ડાક અધિક્ષક એમ. એમ. રાઠોડ, સુરેન્દ્રનગર મંડળના ડાક અધિક્ષક એસ. આર. મિસ્ત્રી, લેખાધિકારી જુગલ કિશોર, આઈ.પી.પી.બી. પ્રદેશ પ્રબંધક રાજીવ કુમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.