20 દિવસ પહેલાં એટીએસ દ્વારા પાંચ ઇરાની શખ્સોની 61 કિલો હેરોઇન સાથે ઝડપી લીધા બાદ જોડીયાના બે અને સચાણાના છ શખ્સોની સંડોવણી બહાર આવતા પૂછપરછ અર્થે અમદાવાદ લઇ જવાયા
ઓખાના દરિયામાંથી 20 દિવસ પહેલાં પાંચ ઇરાની શખ્સોને રુા.425 કરોડની કિંમતના 61 કિલો હેરોઇન સાથે ઝડપી લીધા બાદ ડ્રગ્સની હેરાફેરીમાં જોડીયાના બે અને સચાણાના ચાર શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા એટીએસની ટીમ બે દિવસ પહેલાં જામનગર એસઓજીની ટીમને સાથે રાખી છ સ્થાનિક શખ્સોની અટકાયત કરી પૂછપરછ માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા છે. હેરોઇન અંગે ટૂંક સમયમાં જ એટીએસ દ્વારા મોટી કાર્યવાહી થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે.
જામનગર જિલ્લાના જોડિયા પંથકના બે શખ્સો તેમજ સચાણાના 4 શખ્સો ની અમદાવાદ એટીએસ ની ટીમ દ્વારા પૂછપરછ માટે અટકાયત કરી લેવાઇ છે, અને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. ઓખા નજીકના દરિયામાંથી તાજેતરમાં 425 કરોડની કિંમતનું હેરોઈન પકડાયું હતું, જે સંદર્ભે એટીએસ ની ટીમે જામનગરમાં ધામા નાખ્યા હતા, અને સ્થાનિક પોલીસની મદદ લઈ છ શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા છે, જેની ઊંડાણપૂર્વક પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ તેમજ એટીએસ ની ટીમ દ્વારા 6 માર્ચ ના રોજ ઓખા થી 340 કિમી દૂર દરિયામાંથી 425 કરોડની કિંમતનું 61 કિલો હેરોઈન પકડી લેવામાં આવ્યું હતું, અને પાંચ ઈરાની નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. એટીએસ ની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે, અને તે સંદર્ભમાં એ.ટી.એસ. ની ટીમેં ગઈકાલે જામનગરમાં ધામાં નાખ્યા હતા, અને એસ.ઓ.જી. શાખાની મદદ લઈને જોડિયા પંથકમાંથી 3 શકમંદ ને ઉઠાવી લઈ તેઓની પૂછપરછ કરવામાં આવી હતી, જે પૈકી એક શખ્સને જવા દેવામાં આવ્યો હતો, જ્યારે બે શખ્સને વધુ પૂછપરછ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના સચાણામાં પણ એસ.ઓ.જી. અને એ.ટી.એસ ની ટીમેં ધામા નાખી ત્યાંથી વધુ ચાર શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓને પણ વધુ પૂછપરછ માટે અમદાવાદ તરફ લઈ ગઈ છે. સચાણાના અન્ય એક શખ્સ ની પૂછપરછ કરીને તેને મુક્ત કરી દેવામાં આવ્યો છે.
ઓખા નજીકના દરિયામાંથી પકડાયેલા ડ્રગ્સ નું કનેક્શન જામનગર પંથકના જોડિયા અને સચાણા સુધી પહોંચ્યું હોવાથી નજીકના ભવિષ્યમાં જ આ મામલે એ.ટી.એસ. દ્વારા વધુ ખુલાસા કરવામાં આવે, તેમ જાણવા મળી રહ્યું છે.
પાણસીણા પાસે રૂ. 6.70 લાખના પોષ ડોડવા સાથે બે શખ્સ ઝડપાયા
રાજસ્થાનથી ટ્રકમાં ડીલીવરી આપવા આવેલા બંને શખ્સો પાસેથી 223 કિલો પોષ ડોડવા કબ્જે
સુરેન્દ્રનગર ડીવાય.એસ.પી. એચ.પી.દોશી અને એસઓજી એસ.એમ.જાડેજાની સરાહનીય કામગીરી
લીંબડી-પાણસીણા રોડ પર કટારીયાના પાટીયા પાસે રાજસ્થાન પાસીંગના ટ્રકમાં પોષ ડોડવાની ડીવીવરી કરવા બે રાજસ્થાની શખ્સો આવ્યાની બાતમીના આધારે ડીવાય.એસ.પી. એચ.પી.દોષી અને એસઓજી ટીમ દ્વારા દરોડો પાડી રુ.ા6,70 લાખની કિંમતના 223 કિલો પોષ ડોડવા સાથે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના ઉદયપુરના અસ્ફાકહુસેન સિરાજ હુસેન ગુલામ રસુલ મન્સુરી અને મોહમદ ઇમરાન ફિરોજ નશીરખાન મન્સુરી નામના શખ્સો પાણસીણા પાસેના કટારીયા ગામના પાટીયા પાસે ખોડલ હોટલ નજીક આર.જે.27જીડી. 4234 નંબર નંબરના ટ્રકમાં ડ્રગ્સ હોવાની બાતમીના આધારે ડીવાય.એસ.પી. એચ.પી.દોશી, એસ.ઓ.જી.પી.આઇ. એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ. એમ.બી.પઢીયાર, એએસઆઇ ઘનશ્યામભાઇ મસીયાવા, મગનભાઇ, ડાયાભાઇ મોઘરીયા, રવિભાઇ અલગોતર, જયરાજસિંહ ઝાલા અને બલભદ્રસિંહ રાણા સહિતના સ્ટાફે દરોડો પાડી બંને શખ્સોને રુા.6,70 લાખની કિંમતના 223 કિલો પોષ ડોડવા સાથે ધરપકડ કરી છે. ટ્રક્માં બનાવટી નંબર પ્લેટ હોવાથી અલગ ગુનો નોંધી રુા.20 લાખનો ટ્રક્ કબ્જે કરાયો છે.
જામનગરનું દંપતી રૂ. 6 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયું
મુંબઇથી મેફેડ્રોન ડ્રગ્સ ટ્રાવેલ્સમાં લાવી વેચાણ કરતા હોવાની કબુલાત
શહેરના લાલવાડી આવાસમાં રહેતું એક દંપતિ કેફી દ્રવ્યોની હેરાફેરી કરતી હોવાની હકિકતના પગલે એસ.ઓ.જી.એ. વોરા ગોઢવી ખાનગી ટ્રાવેલ્સમાં આવી રહેલા દંપતિને રૂ. 6 લાખની કિંમતના 60 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ખીજડીયા બાયપાસ પાસેથી ઝડપી લઇ રૂ. 6,73,340 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત માહીતી મુજબ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી એસઓજી પો.ઇન્સ. બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમાર, તથા તેમની ટીમ દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરનારા લોકોને ઝડપી લેવા ખાસ ચક્રવ્યહુ તૈયાર કરવામાં આવ્યો હતો. અને ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હાપા રોડ પર લાલવાડી આવાસ કોલોનીમાં રહેતું એક મુસ્લીમ દંપતિ ડ્રગ્સની ફેરાફેરી કરતી હોવાની બાતમી મળી હતી.
જેના આધારે એસ.ઓ.જી.ની ટીમે ખીજડીયા બાયપાસ પાસે ગુપ્ત રાહે વોંચ ગોઠવી હતી આ કાર્યવાહી દરમ્યાન મોડીરાત્રે ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી સલીમ કાદર લોબી અને તેના પત્ની રેશ્માબેન ઉતરતા પોલીસે તેઓની તલાસી લેતા તેઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
આથી એસ.ઓ.જી. ની ટીમે સલમ અને રેશ્માની અટકાયત કરી તેમની પાસેથી રૂ. 6 લાખની કિંમતનું 60 ગ્રામ એચ.ડી. ડ્રગ્સ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. 6,73,340 નો મુદામાલ કબ્જે કરી આ દંપતિની ધનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.
જયારે પકડાયેલો સલીમ કાદર લોબી અગાઉ સને 2018માં એમ.ડી. એમ.એ. ડ્રગ્સ સાથે પડકાયો હતો. જામનગર એસ.ઓ.જી.એ ઝડપાયેલો સલીમ ડ્રગ્સ કયાં કયાં સ્થળે કોને સપ્લાય કરતો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવાની સાથે સલીમે ડ્રગ્સનો આ જથ્થો કોની પાસે મેળવ્યો, ડ્રગ્સના સપ્લાયર સહિતનાઓને સંકજામાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
એસ.ઓ.જી. એ લાલવાડી આવાસમાં રહેતા સમીર ઇકબાલ સમા અને મુંબઇના ડોંગરી વિસ્તારના જોન નામના શખ્સોની સંડોવણી બહાર આવતા બન્નેની શોધખોળ હાથ ધરી છે.