ઉત્તરાખંડની ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. ટનલમાંથી બહાર આવેલા પ્રથમ શ્રમિકે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે સાથે વાતચીત પણ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ મજૂરોની તબિયત સારી છે. કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ અને રાજ્યના મુખ્યમંત્રી ઘટના સ્થળે હાજર છે અને સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે.

તમામ શ્રમિકોને રૂ. 1-1 લાખનું વળતર ચૂકવાશે : મુખ્યમંત્રી ધામીની જાહેરાત

શ્રમિકોને ટનલની બહાર કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. સુરંગ દરમિયાન થયેલા ઘટનાક્રમને નજીકથી જોનારા એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મજૂરો સ્વસ્થ છે. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ‘ભારત માતા કી જય’ અને ‘મોદી હૈ તો મુમકિન હૈ’ના નારા લગાવ્યા હતા.

આ પહેલા સોમવારે ‘રેટ હોલ માઇનિંગ’ નિષ્ણાતો કાટમાળના સ્થળે પહોંચ્યા હતા. ચારધામ યાત્રા માર્ગ પર બનાવવામાં આવી રહેલી આ ટનલના અવરોધિત ભાગમાં પડેલા 10-12 મીટરના કાટમાળને સાફ કરવા માટે ‘રેટ હોલ માઈનિંગ’ના આ નિષ્ણાંતોની મદદ લેવામાં આવી હતી. અગાઉ, ટનલમાં આડું ડ્રિલિંગ કરતી ઓગર મશીન શુક્રવારે કાટમાળમાં ફસાઈ ગયા પછી, બચાવ ટીમોએ વૈકલ્પિક માર્ગ બનાવવા માટે રવિવારથી ઊભી ડ્રિલિંગ શરૂ કરી હતી. મેન્યુઅલી ડ્રિલિંગ કરતી વખતે પાઇપને દબાણ કરવામાં આવ્યું હતું.

સિલ્ક્યારા રેસ્ક્યુ સાઇટ પર પહોંચેલા ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ ટનલની અંદર ગયા હતા. મેડિકલ ટીમ પણ ટનલની અંદર ગઈ. કામદારોના પરિવારજનોને ટનલની બહાર બોલાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ (નિવૃત્ત) અને પીએમઓના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલબે સિલ્ક્યારા ટનલમાંથી બહાર આવ્યા.

દિવાળીથી ચાલી રહેલ બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મંગળવારે સાંજે બરાબર 7:05 કલાકે 800એમએમની પાઇપ કાટમાળમાંથી પસાર થઇ હતી. આ પછી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પાઇપ દ્વારા કાટમાળને પાર કરી અને પછી બચાવ કામગીરીના છેલ્લા તબક્કાની શરૂઆત કરી. આ ટીમે સૌપ્રથમ મજૂરને પાઇપ વડે બહાર મોકલ્યા હતા. આ મજૂર પાઇપમાંથી બહાર આવતાની સાથે જ સુરંગની અંદર અને બહાર ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા લાગ્યા. આ દરમિયાન ઘણા લોકોએ સુરંગની બહાર ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

જ્યારે પહેલો મજૂર સુરંગમાંથી બહાર આવ્યો ત્યારે સીએમ પુષ્કર સિંહ ધામીએ હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. ધીમે ધીમે એક પછી એક બધા કામદારો બહાર આવવા લાગ્યા. તમામ 41 કામદારોને 30 મિનિટમાં બચાવી લેવામાં આવ્યા હતા. સુરંગમાં હાજર રેસ્ક્યુ ટીમ અને વહીવટીતંત્ર દ્વારા તમામનું તાળીઓ પાડીને અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરંગની બહાર પણ કામદારોના મિત્રો તેની એક ઝલક મેળવવા રાહ જોઈ રહ્યા હતા. બચાવ કામગીરીની સફળતા બાદ અનેક કામદારોની આંખોમાં ખુશીના આંસુ હતા. સ્થાનિક લોકોએ પણ સુરંગની બહાર કામદારોમાં મીઠાઈઓ વહેંચીને ખુશખબરી મેળવીને ખુશી વ્યક્ત કરી હતી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામીએ તમામ ટનલમાં ફસાયેલાં તમામ શ્રમિકોને રૂ. 1-1 લાખની વળતરની પણ જાહેરાત કરી છે.

કેવી રીતે વિત્યા મુશ્કેલીના એ 17 દિવસ ?

રેટ માઈનર્સ નાસિરના જણાવ્યા મુજબ સિલક્યારા સુરંગમાં 200 મીટર અંદર જ્યા કાટમાળ પડ્યો હતો. તેની આગળ સુરંગ સંપૂર્ણ રીતે પહોળી અને બે થી અઢી કિલોમીટર લાંબી હતી. જ્યારે નાસિર અંદર પહોંચ્યા તો ફસાયેલા શ્રમિકોએ તેમને પાણી પીવડાવ્યુ. રેટ માઈનર્સને જોઈને શ્રમિકો એટલા ખુશ હતા કે તેઓ એક પળની અંદર જ તેમની 17 દિવસની સંપૂર્ણ કહાની કહેવા માગતા હતા. આ શ્રમિકોએ નાસિર અને અન્ય રેટ માઈનર્સને એ જગ્યા પણ બતાવી જ્યાં તેઓ સૂતા હતા, કેવી રીતે આંટાફેરા કરતા હતા અને ક્યાં બેસી રેસક્યુ ટીમ આવવાની રાહ જોતા હતા.

શ્રમિકો રેટ માઈનર્સને જોઈને થઈ ગયા ભાવુક

નાસિર અને તેમના સાથી રેટ માઈનર્સના જણાવ્યા મુજબ તમામ શ્રમિકો સ્વસ્થ અને સલામત હતા. જ્યારે તેમણે રેટ માઈનર્સને જોયા તો તેઓ ભાવુક થઈ ગયા. શ્રમિકોએ જણાવ્યુ કે તેમને પુરો વિશ્વાસ હતો કે રાહત ટીમ તેમને સલામત બહાર લાવશે. તેમણે રેટ માઈનર્સને જણાવ્યુ કે બે દિવસ પહેલાથી જ અમને એવુ લાગવા લાગ્યુ હતુ કે બસ હવે અમારી આઝાદીને આડે થોડી પળોનો જ ઈંતઝાર બાકી છે.

રેટ માઈનર્સે સ્ક્રોલિંગ કરી સુતા સુતા પહાડ ખોદ્યો

રેટ માઈનર્સે જણાવ્યુ કે તેઓ સતત 28 કલાકથી કામ કરી રહ્યા હતા. તેમણે 18 મીટરની મેન્યુઅલ ડ્રિલીંગ કરી. તેના માટે તેમણે એક નાનુ ડ્રીલ મશીન અને ગેસ કટરનો પ્રયોગ કર્યો. તેમણે જણાવ્યુ કે પાઈપની અંદર તેમના અને કાટમાળ વચ્ચે બસ થોડા ઈંચનું અંતર હતુ. રેટ માઈનર્સે જણાવ્યુ કે વચ્ચે તેમને લોખંડા ટુકડા, 32 એમએમનો સળિયો, અને અન્ય પણ ઘણી બાધાઓ આવી. જેને તેઓ ગેસ કટરથી કાપીને આગળ વધતા રહ્યા. એક સમયે બે લોકો અંદર જતા હતા અને હાથોથી માટી ખોદી તેને એક તપેલીમાં ભરી દોરડાની મદદથી બહાર લઈ જવામાં આવતી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.