ભારતમાં એવા ઘણા લોકો છે જેમને કબજિયાતની તકલીફ રહેતી હોય છે. એમાંથી અડધાથી ઉપરના લોકો એવા છે જે પોતાની રીતે દવાઓ કરતા હોય છે અને ઘરગથ્થુ ઇલાજથી જ તેમનું ગાડું ગબડતું હોય છે. ખાસ કરીને હરડે, એરંડિયું, ઇસબગુલ, જાતભાતનાં ચૂર્ણ વગેરે વસ્તુઓ લોકો કોઈ પણ નિષ્ણાતને પૂછ્યા વગર પોતે જ પોતાના ડોક્ટર બનીને ખાઈ લેતા હોય છે. એકાદ વાર ખાય તો પણ ઠીક છે, પરંતુ એના બદલે સતત દરરોજ ખાવાનો ક્રમ પણ ઘણા લોકો જાતે જ નક્કી કરી લેતા હોય છે. હકીકત એ છે કે કબજિયાત પહેલાં તો તમને છે કે નથી એ જાતે નક્કી ન થઈ શકે. એ માટે ડોક્ટરને મળવું જરૂરી છે. બીજી વાત એ કે કબજિયાત થવા પાછળનાં ઘણાં જુદાં-જુદાં કારણો છે એટલે તમને જો કબજિયાત હોય તો એ કયાં કારણોસર રહે છે એ જાણવા માટે પણ તમને નિષ્ણાતની ચોક્કસ જરૂર રહે છે. એટલે જાતે ઇલાજ કર્યા કરવા કરતાં એક વખત ડોક્ટરને ચોક્કસ મળવું જોઈએ.
રિસર્ચ
મુંબઈની ઝેન હોસ્પિટલ, ચેમ્બુર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર જે લોકો ડોક્ટર પાસે કબજિયાતની તકલીફ લઈને આવે છે એમાંથી ૪૨ ટકા લોકોને ઑબ્સ્ટ્રક્ટેડ ડીફિકેશન સિન્ડ્રોમ હોય છે. આ સિન્ડ્રોમને સાદી રીતે સમજીએ તો ઘણા લોકોને ટોઇલેટમાં બેસે ત્યારે પ્રેશર તો આવે, પરંતુ તેમને લાગે કે પોટી પાસ થઈ શકતી નથી; ત્યાં જ અટકી ગઈ છે અને એ પાસ કરવા માટે ખૂબ જ જોર લગાવવું પડે છે. ઘણી વાર આંગળી અંદર નાખીને બહાર કાઢવી પડે છે. આ તકલીફનું કારણ ઑબ્સ્ટ્રક્ટેડ ડીફિકેશન સિન્ડ્રોમ હોઈ શકે છે. કુલ ત્રણ વર્ષમાં આ હોસ્પિટલમાં આવેલા ૨૦-૭૦ વર્ષના ૧૫૭૮ દરદીઓને લઈને કરવામાં આવેલા આ સર્વેમાં જોવા મળ્યું કે જે લોકો કબજિયાતની ફરિયાદ લઈને આવ્યા હતા એમાંથી ૬૬૫ દરદીઓની આ કબજિયાત પાછળનું કારણ ઑબ્સ્ટ્રક્ટેડ ડીફિકેશન સિન્ડ્રોમ હતું. જેમને ઑબ્સ્ટ્રક્ટેડ ડીફિકેશન સિન્ડ્રોમની તકલીફ હતી એમાં ખાસ કરીને ૪૦-૬૫ વર્ષની સ્ત્રીઓનું પ્રમાણ વધારે હતું. એમાંથી ૨૩૦ જણને સર્જરીની જરૂર પડી હતી. બાકીના દરદીઓને પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ અને બાયો ફીડબેક ટ્રીટમેન્ટ દ્વારા ઠીક કરવામાં આવ્યા હતા. ૨૬ ફેબ્રુઆરીએ ઝેન હોસ્પિટલ દ્વારા જ એક ઍનો-રેક્ટલ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતભરમાંથી ૫૩૨ સજ્ર્યન્સ આવ્યા હતા. આ મીટમાં તેમણે આ સર્વે બહાર પાડ્યો હતો એટલું જ નહીં, આ સજ્ર્યન્સને આ રોગનો ઇલાજ કઈ રીતે કરવો એ બાબતે પણ ટ્રેઇનિંગ લાઇવ સર્જરીના ટેલિકાસ્ટ દ્વારા આપવામાં આવી હતી.
સ્ત્રીઓમાં વધુ કેમ?
ઑબ્સ્ટ્રક્ટેડ ડીફિકેશન સિન્ડ્રોમ મોટા ભાગે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. સ્ત્રીના શરીરમાં ગુદા, યોનિ અને યુરેથ્રા એટલે કે મૂત્રમાર્ગ આ ત્રણેય એકબીજાની નજીક આવેલાં છે અને એ ત્રણેય જેની સાથે જોડાયેલાં છે એ છે પેલ્વિક ફ્લોર સ્નાયુઓ. આ સ્નાયુઓમાં તકલીફ આવે અને એ ઢીલા થઈ જાય તો કબજિયાતની સમસ્યા આવી શકે છે. આ બાબતે ઝેન હોસ્પિટલના ફાઉન્ડર ડિરેક્ટર તથા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડોક્ટર કહે છે, સ્ત્રીઓમાં જ્યારે ડિલિવરી વખતે પેઇન ઊપડે છે ત્યારે જો એ ૮-૧૦ કલાક લાંબું ચાલે તો એ સમયે એ પેઇનને કારણે પેલ્વિક ફ્લોર મસલ્સ ઢીલા પડી જાય છે. ઘણી વખત ગામડાંઓમાં ૧૫-૧૭ કલાક સુધી સ્ત્રીઓ લેબર-પેઇનમાં જ હોય છે. જેટલું લાંબું લેબર- પેઇન એટલા પેલ્વિક સ્નાયુઓ ઢીલા થવાની શક્યતા વધારે. ઘણી સ્ત્રીઓને ૩-૪ નોર્મલ ડિલિવરી થઈ હોય તો પણ આ તકલીફની શક્યતા રહે છે. મોટા ભાગે ૪૦ વર્ષની ઉંમર પછીની સ્ત્રીઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે. પુરુષોમાં પણ આ તકલીફ જોવા મળે છે. કોઈ કારણોસર તેમના પણ પેલ્વિક સ્નાયુઓ ઢીલા થઈ જાય તો ઑબ્સ્ટ્રક્ટિવ ડીફિકેશન થાય છે. પરંતુ એક્સરસાઇઝ દ્વારા સ્ત્રીઓમાં આ રોગને થતાે અટકાવી શકાય છે, જ્યારે પુરુષોમાં એ શક્ય બનતું નથી.
ઇલાજ
જેમને પણ ઑબ્સ્ટ્રક્ટિવ ડીફિકેશનની તકલીફ હોય એટલે કે લાગે કે પોટી પસાર થવામાં ખૂબ તકલીફ થાય છે તો ડોક્ટર પાસે ગયા બાદ ડોક્ટર પહેલાં તમારાં ચિહ્નો વિશે માહિતી લેશે, તપાસશે અને જરૂર લાગે તો અમુક જરૂરી ટેસ્ટ જેમ કે MRI, CTસ્કેન, એન્ડોસ્કોપી કરવાનું કહેશે. ઑબ્સ્ટ્રક્ટિવ ડીફિકેશન માટે કરવામાં આવતી ખાસ ટેસ્ટને ડીફિકોગ્રાફી અને મોનોમેટ્રી ટેસ્ટ કહે છે. આ રોગના ઇલાજ માટે શું કરી શકાય એ સમજાવતાં ડોક્ટર કરે છે, જ્યારે વ્યક્તિ પોટી પાસ કરે છે ત્યારે તેના ૩૨ સ્નાયુઓ એકસાથે કામ કરે છે.
વ્યક્તિના આ ૩૨માંથી કયા સ્નાયુમાં તકલીફ છે એ જાણવું જરૂરી છે, જેના માટે આ ટેસ્ટ હોય છે. ટેસ્ટ બાદ જો ખબર પડે કે સ્ત્રીને આ સ્નાયુઓમાં પ્રોબ્લેમ છે તો એ સ્નાયુઓને બાયોફીડબેક પદ્ધતિથી ઇલેક્ટિક સ્ટિમ્યુલેશન આપીને અને સાથે-સાથે કેગલ્સ એક્સરસાઇઝ દ્વારા ઠીક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
લગભગ ૮૦ ટકા સ્ત્રીઓ આ પદ્ધતિથી ઠીક થઈ જાય છે. બાકીની વીસ ટકા સ્ત્રીઓને સર્જરીની જરૂર પડે છે. આ સર્જરીને STARR સર્જરી એટલે કે સ્ટેપલ્ડ ટ્રાન્સ ઍનલ રેક્ટલ રીસેક્શન સર્જરી કહેવાય છે.
વેસ્ટર્ન ટોઇલેટ કે ઇન્ડિયન?
એક સમય હતો જ્યારે આપણે ત્યાં લોકો ઇન્ડિયન સ્ટાઇલનાં ટોઇલેટ જ વાપરતા. ધીમે-ધીમે વેસ્ટર્ન સ્ટાઇલનાં ટોઇલેટનો વપરાશ વધ્યો અને હવે તો ભાગ્યે જ ઇન્ડિયન ટોઇલેટ જોવા મળે છે. હકીકતમાં પોટી પાસ કરવા માટે ઇન્ડિયન સ્ટાઇલનાં ટોઇલેટ જ વધુ યોગ્ય છે એ વાત જણાવતાં ડોક્ટર કહે છે, જ્યારથી લોકો વેસ્ટર્ન ઊભાં ટોઇલેટ વાપરવા માંડ્યા ત્યારથી કબજિયાતની તકલીફો વધવા લાગી છે. જો તમારું વજન વધારે ન હોય, હાડકાં અને સ્નાયુઓ સ્ટ્રોન્ગ હોય તો ઇન્ડિયન ટોઇલેટ જ વાપરવાં જોઈએ. પરંતુ આજકાલ ઘૂંટણની તકલીફવાળા દરદીઓ પણ ઘણા વધુ પ્રમાણમાં જોવા મળે છે જે ઇન્ડિયન સ્ટાઇલનાં ટોઇલેટમાં બેસી શકતા નથી. તેમના માટે અમે સલાહ આપીએ છીએ કે વેસ્ટર્ન ટોઇલેટમાં જ બેસો, પરંતુ તમારા પગની નીચે ૬ ઇંચનું સ્ટૂલ રાખો અને પગ એના પર ટેકવો એટલે લગભગ ઇન્ડિયન ટોઇલેટ જેવું જ પોર બનશે જે પોટી પાસ કરવા માટે બેસ્ટ પોઝિશન છે. અમારી પાસે કબજિયાતના જે દરદી આવે છે તેમને અમે આ જ સલાહ આપીએ છીએ.