ટ્રાફિકજામથી બચવા ડ્રાઈવરે શોર્ટકટ લીધો અને ‘કાળ’ આંબી ગયો: બસમાં રેલવેની પરીક્ષા આપવા જતાં 12 વિદ્યાર્થીઓને પણ ભરખી ગયો કાળ
મધ્યપ્રદેશના સિધ્ધી ગામ નજીક બાળસાગર કેનાલમાં આજે સવારે અકસ્માતે 54 જેટલા મુસાફરોને લઈને જતી બસ કેનાલમાં ખાબકતા મોતનું માતમ છવાઈ ગયું હતું. તાત્કાલીક શરૂ કરવામાં આવેલા બચાવ રાહતમાં 42 મુસાફરોના મૃતદેહો મળી આવ્યા હતા. હજુ વધુ મૃતદેહો મળે તેવી ભીતિ વચ્ચે સ્થાનિક લોકો અને બચાવ રાહત કામગીરી માટે બોલાવવામાં આવેલા રેસ્કયુ જવાનોએ મુસાફરોની શોધખોળ હાથ ધરી હતી.મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. અત્યાર સુધીમાં 42 મૃતદેહ મળી આવ્યા છે. 6 લોકોનો બચાવ થયો હતો. ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓએ મૃતકોની સંખ્યા 45થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. કેટલાક મૃતદેહો પાણીના વહેણમાં તણાઇ જવાની વાત પણ સામે આવી છે.બસ સીધીથી સતના તરફ જઇ રહી હતી. રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે 7.30 વાગ્યે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનાના ચાર કલાક બાદ સવારે 11.45 વાગ્યે બસ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.કેનાલની ઊંડાઈ 20 થી 22 ફૂટ હોવાનું જણાવાયું છે. જે ક્ષણે અકસ્માત થયો તે સમયે પાણીનો પ્રવાહ ઝડપી હતો, તેથી મુસાફરોને સાંભળવાની તક જ મળી ન હતી. મૃતકોમાં 12 વિદ્યાર્થીઓ પણ હતા. આ બધા જ રેલ્વેની પરીક્ષા આપવા સતના જઈ રહ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ 32 લોકોને બસમાં બેસાડી શકાય તેમ હતા, પરંતુ તેમાં 54 મુસાફરો ભરવામાં આવ્યા હતા. બસને સીધર રસ્તે છુહિયા ઘાટી થઈને જવાનું હતું, પરંતુ અહીં ટ્રાફિકજામ હોવાને કારણે ડ્રાઇવરે રસ્તો બદલી નાંખ્યો હતો. તે નહેરના કાંઠેથી બસ લઈ જઇ રહ્યો હતો. આ રસ્તો એકદમ સાંકડો હતો. આ દરમિયાન ડ્રાઇવરે બસનું સંતુલન ગુમાવ્યું હતું.
સિંચાઈ માટે છોડાયેલા બાણસાગર કેનાલનું ધસમસતું પાણી અનેકને તાણી ગયું: રેસ્કયુ માટે પાણી રોકવું પડ્યું, સ્થાનિકો બચાવ રાહતમાં જોડાયા
ઝાંસીથી રાંચી જતો હાઇવે સતના, રીવા, સીધી અને સિંગરૌલી થઈને જાય છે. અહીંનો રસ્તો ખરાબ અને અધૂરો છે. આકારણે અહીં અવાર નવાર ટ્રાફિક જામ રહે છે. અકસ્માત બાદ બચાવ ટીમ ક્રેનની મદદથી બસને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી અને ગુમ થયેલા મૃતદેહોની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારબાદ નૈકિનમાં બસ પટના પુલ પાસે કેનાલમાં ખાબકી હતી. અકસ્માતનું કારણ હજી બહાર આવ્યું નથી. મુખ્યમંત્રી શિવરાજસિંહ અકસ્માત અંગેની માહિતી મળતાની સાથે જ તેમણે સીધીમાં અધિકારીઓ સાથે વાત કરી છે અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. અત્યાર સુધીમાં 40થી વધુ મૃતદેહ મળી આવ્યા છે. અકસ્માત બાદ કેનાલ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને બચાવ રાહત કામગીરીમાં લાગ્યા હતા.
બસ પાણીમાં ખાબકતા ડ્રાઈવર તરીને બહાર નિકળી ગયો: ધરપકડ
શાહનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો
મંગળવારે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રીએ આવાસ યોજના હેઠળ 1.10 લાખ લોકોના ગૃહ પ્રવેશનો કાર્યક્ર્મ હતો. જેમાં અમિત શાહ વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થવાના હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે દુર્ઘટનાના કારણે હવે આ કાર્યક્ર્મ રદ કરવામાં આવ્યો છે. કલેકટર, એસપી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે.
ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. તરવૈયાઓની ટીમ દ્વારા પણ બચાવ કામગીરી ચાલી રહી છે. કેનાલમાં પાણીનું વહેણ ભારે હોવાના કારણે ટીમે જળસ્તર ઓછું થવાની રાહ જોવી પડી હતી. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાણીના ભારે પ્રવાહના કારણે લોકો ઘટનાસ્થળેથી દૂર તણાઇ ગયા હોય શકે છે. જો કે હાલમાં બાણસાગર ડેમથી કેનાલનું પાણી રોકી દેવામાં આવ્યું છે. કેનાલની જળસપાટી ઘટાડવા માટે તેનું પાણી સિહાવલ કેનાલમાં તરફ વાળવામાં આવી રહ્યું છે.