રાજકોટ જિલ્લાના મોવિયા ગામના ખેડૂતના ખાતામાં સર્વ પ્રથમ રૂ.૨ હજારનો હપ્તો ચૂકવાયો
સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાના ૯.૪૭ ખેડૂતોને મળશે લાભ: મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
તાજેતરના કેન્દ્રીય બજેટમાં જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો આજ રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પ્રારંભ કરાવ્યો તેની સાથે જ ગુજરાતમાં આ યોજનાનો રાજકોટ ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો છે. આ યોજના અંતર્ગત રાજ્યના ૪૨.૪૭ લાખ ખેડૂતોને સન્માન નિધિ અંતર્ગત કૂલ રૂ. ૬ હજાર પૈકીના પ્રથમ હપ્તા પેટે રૂ. ૨૦૦૦ની ચૂકવણીનો પ્રારંભ થયો છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના રાજકોટ જિલ્લાના પ્રથમ લાભાર્થી બનવાનું બહુમાન મોવિયા ગામના ખેડૂતને મળ્યું હતું. રાજકોટ જિલ્લાના કૂલ ૧૪૭૧૩૪ ખેડૂતોને અત્યાર સુધીમાં આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના કૂલ ૧૧ જિલ્લાના ૯૪૭૯૦૦ ખેડૂતોને લાભ મળશે.
જેમાં ભાવનગરના ૧૫૫૨૮૦, અમરેલીના ૧૩૪૯૮૪, જુનાગઢના ૧૧૩૭૧૮, ગિર સોમનાથના ૧૦૩૫૬૯, સુરેન્દ્રનગરના ૯૩૦૭૦, મોરબીના ૫૮૬૮૩, દેવભૂમિ દ્વારકાના ૪૮૫૪૨, બોટાદના ૪૬૨૦૮,પોરબંદરના ૩૬૫૩૩, જામનગરના ૧૦૧૭૯ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, ચેરમેન ધનસુખભાઇ ભંડેરીતથા હંસરાજભાઇ ગજેરા, મેયર બિનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, નીતિનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ ધ્રુવ, અગ્ર સચિવ સંજય પ્રસાદ, કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર બી. એન. પાની, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.