સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં પ્લેસમેન્ટ કર્મચારીઓ તરફી નિર્ણય
યુનિવર્સિટીના સત્તાધીશોથી અસંતુષ્ટ કર્મચારીઓમાં આનંદો: કોંગ્રેસના ૨ સિન્ડિકેટ સભ્યોએ કર્મચારીઓના પગાર વધારાનો કર્યો હતો વિરોધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે કાર્યકારી કુલપતિ નિલાંબારીબેન દવેની અધ્યક્ષતામાં મળેલી સિન્ડિકેટની બેઠકમાં કરાર આધારિત ૪૧૨ કર્મચારીને એજન્સીમાંથી પરત લેવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એજન્સી હેઠળથી હટાવી લેવાતા પ્લેસમેન્ટ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. કરારી કર્મચારીઓના પગારમાં ૨૦ ટકા વધારાનો નિર્ણય પણ સિન્ડિકેટની બેઠકમાં લેવાયો છે. આ તમામ કરાર આધારિત કર્મચારીઓની પ્લેસમેન્ટ સેલમાં ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજની સિન્ડિકેટ બેઠકમાં લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અલગ – અલગ વહીવટી વિભાગ અને ભવનમાં પટ્ટાવાળા, સ્વીપર, ક્લાર્ક, કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામર સહિતનાં ૪૧૨ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઇઝ પર ફરજ બજાવે છે. યુનિવર્સિટીએ ૧૫ વર્ષ બાદ કરાર આધારિત કર્મચારીઓને પી.એફ. આપવાનું શરૂ કર્યું. પરંતુ મામૂલી પગારમાંથી પણ ૧૨ ટકા પી.એફ. કાપી લેતા કર્મચારીઓનાં માસિક પગારમાં રૂ.૧૨૦૦ નો ઘટાડો થયો હતો. એટલે કે જેમને રૂ.૯૬૦૦ પગાર હતો એમને માસિક માસિક રૂ.૮૩૦૦ મળે છે. દર મહિને યુનિવર્સિટી બીજા ૧૨ ટકા ઉમેરશે અને કર્મચારી નિવૃત થાય ત્યારે માસિક પગારમાં ૨૪ ટકા ઉમેરી નાણાં આપવામાં આવશે. તેમ છતાં ઓછા વેતનના લીધે પ્લેસમેન્ટ કર્મચારીઓને જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું છે. દરમ્યાન યુનિવર્સિટીના સત્તાધીશોએ કરારી કર્મચારીઓને ખુશ કરવા ગત ઓગસ્ટ માસમાં ૨૦ ટકા પગાર વધારો જાહેર કર્યો. જોકે સત્તાધીશોએ જાણ કર્યા વિના એજન્સી હેઠળ મૂકી દેતા કરાર આધારિત ૪૧૨ કર્મચારીઓમાં આંતરિક અસંતોષ સામે આવ્યો હતો.
એજન્સીમાં મૂકી દેવાતા યુનિવર્સિટીના કરાર આધારીત ૩ કર્મચારી અને એક ફિક્સ પે ના કર્મચારીએ યુનિવર્સિટી સામે હાઈકોર્ટમાં રીટ કરી હતી ત્યારે આજની સિન્ડિકેટ બેઠકમાં કરાર આધારિત ૪૧૨ કર્મચારીઓને રાજદીપ એજનસી માંથી હટાવી પ્લેસમેન્ટ સેલમાં સમાવ્યા છે. ઉપરાંત કર્મચારીઓનો પગાર ૨૦% વધારી ચૂકવવાનો નિર્ણય લેવાયો છે જેમાં ૧૪૦ માસથી વધુ સમયનો નોકરીનો અનુભવ ધરાવતા કર્મચારીઓનો પગાર રૂ.૨૦ હજાર, કલાર્કનો પગાર રૂ. ૧૫ હજાર અને સહાયક પટાવાળોનો પગાર રૂ. ૧૦ હજાર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે.
વિદ્યાર્થીઓને ચોરી કરાવતા પરીક્ષા કેન્દ્રને રૂ. ૩ લાખનો દંડ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં પરીક્ષા ચોરી સામે લાલ આંખ કરી છે. પ્રથમ વખત કોઈ પરીક્ષા કેન્દ્ર વિદ્યાર્થીઓને ચોરી કરતું પકડાશે તો તે કોલેજને રૂ. ૧ લાખ નો દંડ, બીજી વખત પકડાશે તો રૂ.૨ લાખ નો દંડ અને પરીક્ષા કેન્દ્ર રદ થશે જ્યારે કોઈ પરીક્ષા કેન્દ્ર સતત ત્રીજી વખત વિદ્યાર્થીઓને ચોરી કરાવતા પકડાઈ જશે તો તે કોલેજનું જોડાણ રદ થઈ જશે અને રૂ ૩ લાખનો દંડ જે તે કોલેજે યુનિવર્સિટીને ભરપાઈ કરવો પડશે