કોરોનાની બીજી લહેરએ સેંકડો લોકોના જીવ લીધા છે. એમાં પણ ખાસ કોરોનાનો બદલાતો કલર વધુ જોખમ ઉભું કરી રહ્યો છે જેની સામે આરોગ્ય સેવાઓ સામે મોટા પડકાર ઉભા થયા છે. કેસ ખૂબ ઝડપભેર વધતા કુત્રિમ “પ્રાણવાયુ”ની જરૂરિયાત કલ્પના બહાર ઉભી થઈ આ જરૂરિયાતને ન પહોંચી વળતા સેંકડો કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટ્યા છે. ત્યારે ગોવાની હોસ્પિટલમાં કોરોનાએ મોતનું તાંડવ સર્જતાં ખળભળાટ મચી ગયો છે. ગોવા મેડિકલ કોલેજમાં “પ્રાણવાયુ”ની ખેંચે 41 દર્દીઓના ભોગ લીધા છે.
હજુ ગુરુવારે ઓક્સિજનનો પુરવઠો ઠપ્પ થતા 26 કોરોના દર્દીના પ્રાણ હરાયા હતા તો ગઈકાલે ફરી 15 દર્દીઓના મોત થયા છે. રાજ્ય સરકારે બોમ્બે હાઈકોર્ટમાં આ માહિતી આપતા જણાવ્યું હતું. સરકારે કોર્ટ સમક્ષ કહ્યું કે બે દિવસ પહેલા અહીં કોરોનાના 26 દર્દીઓનું મોત નીપજ્યું હતું. મોટાભાગના દર્દીઓનું મોત હોસ્પિટલમાં ઓક્સિજનના દબાણને કારણે થયું છે. કોર્ટે ગોવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રને ટૂંક સમયમાં ક્વોટા મુજબ ઓક્સિજન સપ્લાય કરવા નિર્દેશ આપ્યા છે. ઓક્સિજન વિક્ષેપો મુદ્દે જીએમસી નોડલ ઓફિસર ડો.વિરાજ ખાંડેપાર્કરએ હાઈકોર્ટને જણાવ્યું કે, ઓક્સિજનનો પુરવઠો ઠપ્પ થવાને કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે આથી પુરવઠો પૂરતી માત્રામાં મળી રહે તે સુનિશ્ચિત થવું જરૂરી છે.
આ મુદ્દે સ્વાસ્થ્ય સચિવ રવિ ધવનએ એવો દાવો કર્યો કર ઓક્સિજનની કોઈ કમી નથી. પરંતુ ઓક્સિજનની વહેંચણીને લઈ યોગ્ય સુવિધા નથી એટલે આ ઘટના ઘટી છે. જો કે હાઈકોર્ટે આ “લુલા બચાવ”ને નકારી કહ્યું કે અમને ખૂબ દુ .ખ છે કે આવી ખામીઓ કોવિડ પીડિતો માટે આવા ગંભીર પરિણામો ઉભા કરે છે. ન્યાયમૂર્તિ એમ.એસ. સોનક અને નીતિન ડબલ્યુ સંબ્રેએ જણાવ્યું કે અમે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા આ તર્કવિહોણા મુદ્દાઓને દૂર કરવા માટેના માર્ગો અને ઉપાયો શોધી કાઢવા જરૂરી છે. જેથી કરીને ઓક્સિજનની સપ્લાયમાં ખામીને કારણે કોઈ કિંમતી જીવન ન ગુમાવે.