ભારતમાં 2005 થી 2015 સુધીમાં 27 કરોડ લોકો જ્યારે 2015 થી 2021 સુધીમાં 14 કરોડ લોકો ગરીબી રેખામાંથી ઉપર આવ્યા હોવાનો સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ
છેલ્લા 14 વર્ષમાં ભારતમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર છેલ્લા 15 વર્ષમાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. સોમવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે ભારતમાં 2005-06 થી 2019-21 સુધી ગરીબી નાબૂદીની દિશામાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે અને ગરીબોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત માટે 2020ની વસ્તીના ડેટાના આધારે, વિશ્વમાં સૌથી વધુ ગરીબ 22.8 કરોડ લોકો છે, ત્યારબાદ નાઇજીરિયા 9.67 કરોડ છે. રિપોર્ટ અનુસાર, વિકાસ હોવા છતાં, ભારતની વસ્તી કોવિડ રોગચાળાની અસર અને વધતા અનાજ, ઈંધણની ઊંચી કિંમતો સાથે સંઘર્ષ કરી રહી છે. રિપોર્ટ અનુસાર બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ એવા રાજ્યો છે જ્યાં ગરીબીમાં ઝડપથી ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં પોષણ અને ઉર્જાની તંગી સંબંધિત સમસ્યાઓ પર કામ કરવું સરકારની પ્રાથમિકતા યાદીમાં રહેવું જોઈએ.
રિપોર્ટ અનુસાર, ભારતમાં 2005/06 થી 2015/16 સુધીમાં 27.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, જ્યારે 2015/16 થી 2019/21 સુધીમાં 14 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની પ્રગતિ દર્શાવે છે કે મોટા પાયે ગરીબી નાબૂદ કરવાનું લક્ષ્ય શક્ય છે.
ઉલ્લેખનીય છે કે 2004 થી 2014 સુધી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર હતી. જયારે 2014થી અત્યાર સુધી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપની સરકાર છે. 2019-21ના આંકડા દર્શાવે છે કે ભારતની 16.4 ટકા વસ્તી ગરીબીમાં જીવે છે. દેશની 4.2 ટકા વસ્તી અત્યંત ગરીબીની સ્થિતિમાં જીવે છે.
23 કરોડ લોકો હજુ પણ ગરીબીમાં છે
યુએનએ તેના અહેવાલમાં કહ્યું છે કે ભારત ગરીબી નાબૂદ કરવામાં સફળ રહ્યું છે, પરંતુ લગભગ 23 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવું એક પડકારજનક કાર્ય છે, કારણ કે 2019/21 થી જ્યારે આ આંકડાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, ત્યારે ગરીબોની સંખ્યા ચોક્કસપણે વધી હશે.
શહેરો કરતાં ગામડાઓમાં ગરીબી વધુ
યુએન ડેટા પણ ગામડાઓ અને શહેરો વચ્ચેના વિકાસનું અંતર દર્શાવે છે. ગામડાઓમાં રહેતા 21.2 ટકા લોકો ગરીબ છે, જ્યારે શહેરો માટે આ આંકડો 5.5 ટકા છે. ભારતમાં 23 કરોડ ગરીબોમાંથી 90 ટકા ગામડાઓમાં છે. આ રીતે સરકાર સમક્ષ ગરીબી નાબૂદીનું લક્ષ્ય સ્પષ્ટ છે.