ભયગ્રસ્ત 469 વૃક્ષોનું કરાયું ટ્રીમીંગ: સ્થળાંતરિત કરાયેલા લોકોને ફરી ઘરે મોકલવાની કામગીરી શરૂ
બિપરજોય વાવાઝોડાની અસરના કારણે છેલ્લા ચાર દિવસથી શહેરમાં ફૂંકાઇ રહેલા ભારે વરસાદના કારણે અલગ-અલગ વિસ્તારોમાં 409 વૃક્ષોનો સોંથ બોલી ગયો છે. એક તરફ શહેરમાં વૃક્ષારોપણની કામગીરી માત્ર કહેવા પૂરતી જ કરવામાં આવે છે. બીજી તરફ આવી આફતમાં વૃક્ષોનું સત્યાનાશ નીકળી રહ્યો છે. સ્થળાંતરિત કરવામાં આવેલા 2445 લોકોને હવે સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પગેલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લોકોનું સ્થળાંતર, હોર્ડિંગ / બેનરો ઉતારવા, આશ્રયસ્થાનો અને સ્કૂલો ખાતે સ્થળાંતરિત કરાયેલો નાગરિકો માટે મધ્યાહન ભોજન કિચન અને સેવાકીય સંસ્થાઓ મારફત ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, સ્વાસ્થ્ય ચકાસણીની વ્યવસ્થા, બાંધકામ સાઈટો બંધ કરાવી શ્રમિકોનું સ્થળાંતર કરાવવું, ધરાશાયી થયેલ વૃક્ષોનું ટ્રીમીંગ કરી વૃક્ષ હટાવવું, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા સતત લોકોને એનાઉન્સમેન્ટ કરી જાણકારી આપવી વિગેરે કામગીરી કરવામાં આવી હતી.
સાવચેતીના પગલાંરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાંથી કુલ 2445 અસરગ્રસ્તોનું મહાનગરપાલિકાની સિટી બસ મારફત નજીકની શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમજ આ લોકો માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી છે.
એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખા દ્વારા હાલ 8569 બોર્ડ/બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા અને 299 જેટલા હોર્ડિંગ જે-તે એજન્સી મારફત ઉતરાવી લેવામાં આવ્યા હતા.ગાર્ડન શાખા દ્વારા ભયગ્રસ્ત કુલ 469 વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે તેમજ ભારે પવનને કારણે 145 વૃક્ષો ધરાશાયી થયા હતા રસ્તા પરથી તેને દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.