હાથ ધરાયેલ સર્વેમાં ચોકાવનારી વિગતમાં ધ્રાંગધ્રામાં સૌથી વધુ 1558 સૌથી ઓછા 20 બાળકો લીંબડીમાં
સુરેન્દ્રનગર જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત તા.1 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી-2023 સુધી જીલ્લામાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 6 થી 19 વર્ષની વયજુથનાં શિક્ષણથી વંચિત રહી ગયેલા ધોરણ-1 થી 12 સુધીનું શિક્ષણ મેળવ્યુ ન હોય તેવા તેમજ ધોરણ-11 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા વગર અધ્ધવચ્ચેથી શાળા છોડી દીધી હોય તેવા દિવ્યાંગ સહિતનાં તમામ બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સરકારી વિભાગો, એન.જી.ઓ., સરકારી શાળાના આચાર્ય, સી.આર.સી. કો-ઓર્ડીનેટર, તાલુકા બી.આર.સી.કો-ઓર્ડીનેટર વિગેરે પણ સહભાગી બન્યા હતા.
સર્વે દરમ્યાન વિવિધ કારણોસર શિક્ષણથી વંચિત રહી ગયેલા 4084 બાળકો ધ્યાને આવ્યા છે. જેમાં 1617 બોયઝ અને 2467 ગર્લ્સ બાળકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ 1558 બાળકો ધ્રાંગધ્રા તાલુકામાંથી મળી આવ્યા છે. જ્યારે સૌથી ઓછા 20 બાળકો લીંબડી તાલુકામાં છે. ચોટીલા તાલુકામાં 250 બાળકો, ચુડા તાલુકામાં 85 બાળકો, ધ્રાંગધ્રા તાલુકામાં 1558 બાળકો, લખતર તાલુકામાં 140 બાળકો, લીંબડી તાલુકામાં 20 બાળકો, મુળી તાલુકામાં 41 બાળકો, પાટડી તાલુકામાં 259 બાળકો, સાયલા તાલુકામાં 779 બાળકો, થાનગઢ તાલુકામાં 124 બાળકો અને વઢવાણ તાલુકાનાં 828 બાળકો વિવિધ કારણોસર શિક્ષણથી વંચિત રહ્યા જણાયા છે. સમગ્ર જીલ્લામાં 6 થી 8 વર્ષની વય જુથનાં 112 બાળકો, 9 થી 14 વર્ષની વય જુથનાં 740 બાળકો અને 15 થી 19 વર્ષની વય જુથનાં 3232 બાળકોનો સમાવેશ થાય છે.
ત્રણ કેટેગરી પ્રમાણે સર્વે કરવામાં આવ્યો હતો. 6 થી 8 વર્ષ, 9 થી 14 વર્ષ, 15 થી 19 વર્ષનાં બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. 15 થી 19 વર્ષની વય જુથનાં 3232 બાળકો શિક્ષણથી વંચિત રહ્યાં હતાં. એટલે કે સેકેન્ડરી-હાયર સેકેન્ડરી શિક્ષણમાં શાળા અધ્ધવચ્ચે છોડી દેવાથી કે અન્ય કારણોસર શિક્ષણથી વંચિત રહ્યાનું પ્રમાણવધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણથી વંચિત રહી ગયેલા આ બાળકો લખતા-વાંચતા શીખે, તેથી આગળ શિક્ષણ મેળવીને શિક્ષિત થાય, સમાજનાં મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે તે માટે જીલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી અને સંલગ્ન વિભાગો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે.