પેટ્રોલ પમ્પના સંચાલકો 1રમીએ 2.66 કરોડ લીટર પેટ્રોલ ડીઝલ નહી ખરીદે: બપોરે 1 થી ર સીએનજીનું વેચાણ બંધ રખાશે
વારંવાર રજુઆત કરવા છતાં ઓઇલ કંપનીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી માર્જીનમાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હોય ગુજરાતમાં ચાર હજારથી વધુ પેટ્રોલ પમ્પના સંચાલકો આગામી ગુરૂવારથી આંદોલનનું શસ્ત્ર ઉગામશે. દર ગુરૂવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી કરવામાં આવશે નહી અને બપોરે એક કલાક સીએનજીનું વેચાણ પણ બંધ રાખવામાં આવશે. 1રમી ઓગસ્ટથી હવે દર ગુરૂવારે આ પ્રકારનું આંદોલન ચાલુ રાખવામાં આવશે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીંયમ ડિલર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદભાઇ ઠકકર અને જનરલ સેક્રેટરી ધીમંતભાઇ ઘેલાણીના જણાવ્યાનુંસાર ગુજરાતમાં પેટ્રોલ 545 ડિલર્સનું માર્જીન છેલ્લા ત્રણ વર્ષ એટલે કે 1100 દિવસની વધારવામાં આવ્યું નથી. રાજયમાં 4000 પેટ્રોલ પંપ છે અને 2457 ગ્રાહકોને સેવા આપે છે. ગુજરાતમાં દર મહિને ડીઝલનું 54 કરોડ લીટર અને પેટ્રોલ 26 કરોડ લીટરનું વેચાણ કરવામાં આવશે એક દિવસના ‘નો પરચેજ’ આંદોલનના કારણે 2.66 કરોડ લીટર ઇંધણની ખરીદી કરવામાં આવશે નહીં.
તેઓએ ઉમેર્યુ હતું કે પેટ્રોલ પંપ ડિલર્સનું માર્જીન છેલ્લે તા.1/8/2017 ના રોજ વધારવામાં આવ્યું હતું. જેને ત્રણ વર્ષ વિતી જવા છતાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લા ત્રણ વર્ષમાં વ્યવસાયને લગતા ખર્ચમાં 30 ટકાનો વધારો થવા પામ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ1 ટકાનો વધારો થયો છે. જેથી મૂડી રોકાણ પણ વઘ્યું છે. અને વ્યાજનું ભારણ પણ સતત વધી રહ્યું છે. કોવિડના કારણે છેલ્લા 18 મહિનામાં વેચાણ 3પ ટકા ઘટી ગયું છે. બીજી તરફ ડુપ્લીકેટ બાયોડીઝલના વેચાણથી પણ અમારે નુકશાની વેઠવી પડે છે અનેક તકલીફોના કારણે હવે આ વ્યવસાય મૃતપ્રાય થવા પામ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં માર્જીન ન વધવાના કારણે ના છુટકે અમારે આંદોલનનો માર્ગ આપનાવવો પડયો છે.
વર્ષ 2020-21 માં ઓઇલ કંપનીઓને 60 વર્ષમાં રેકોર્ડ બ્રેક 60 હજારનો નફો થવા પામ્યો હતો. જયારે ડીલરોએ નુકશાની વેઠવી પડી હતી. માર્જીન વધારાની માંગ સાથે આગામી ગુરૂવારે રાજયના 4000 થી વધુ પેટ્રોલ પમ્પના ડીલર્સનો પરચેજ આંદોલન છેડશે જો કે આ આંદોલનથી વાહન ચાલકોને રતીભારથી પણ હાલાકી વેઠવી નહી પડે, પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ગુરૂવારે ચાલુ રાખવામાં આવશે માત્ર બપોરે 1 થી ર એમ એક કલાક માટે સીએનજીનું વેચાણ બંધ રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ પેટ્રોલ પર પ્રતિલીટર રૂ. 3 કમિશન આપવામાં આવે છે જે વધારી રૂ. 6 કરવા, ડીઝલ પર ચુકવાતું કમિશન રૂ. ર થી વધારી 4 રૂપિયા કરવા અને સીએનજી પરનું કમિશન રૂ. 1.50 થી વધારે 3 રૂપિયા કરવાની માંગણી કરવામાં આવી છે.