- હાલમાં પી.જી.મેડિકલની અંદાજે 2700થી વધારે બેઠકો ઉપલબ્ધ
- આગામી દિવસોમાં ચાર સરકારી અને ચારથી વધારે પ્રાઇવેટ કોલેજોએ પણ પી.જી.મેડિકલની બેઠકો વધારવાની તૈયારી
રાજ્યમાં ચાલુવર્ષે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં 400થી વધારે બેઠકોનો વધારો થાય તેવી સંભાવના છે. હાલમાં પી.જી.મેડિકલની અંદાજે 2700થી વધારે બેઠકો ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં ચાર સરકારી અને ચારથી વધારે પ્રાઇવેટ કોલેજોએ પણ પી.જી.મેડિકલની બેઠકો વધારવાની તૈયારી શરૂ કરી દીધી છે. આમ, ચાલુવર્ષે ઓગસ્ટ માસામં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલની બેઠકો ત્રણ હજાર કરતાં પણ વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ પુરી કરવાની સમયમર્યાદા 31મી જુલાઇ નક્કી કરવામાં આવી છે.
ઇન્ટર્નશીપ પુરી થયા બાદ ઓગસ્ટ માસમાં પી.જી. મેડિકલમાં પ્રવેશ માટે કાર્યવાહી શરૂ કરાશે. મેડિકલ તજજ્ઞો કહે છે કે, હાલમાં મેડિકલ કોલેજોમાં અંદાજે 2760 બેઠકો ઉપલબ્ધ છે. આગામી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા સરકારમાં અમદાવાદ, સોલા, ગાંધીનગર અને ગોત્રી મેડિકલ કોલેજમાં પી.જી.ની બેઠકો વધારવા માટેની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આજ રીતે પ્રાઇવેટ મેડિકલ કોલેજોએ પી.જી.મેડિકલની બેઠકો વધારવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. સૂત્રો કહે છે કે, નેશનલ મેડિકલ કમીશન દ્વારા અત્યાર સુધી ઇન્સ્પેક્શન કર્યા પછી પી.જી. કે યુ.જી.મેડિકલ કોલેજની મંજુરી કે બેઠક વધારો આપવામાં આવતો હતો. હવે ઇન્સ્પેક્શન વગર ઓનલાઇન રજૂ કરાયેલી વિગતોના આધારે જ બેઠકોની મંજુરી આપવાનું નક્કી કરાયું છે.
સૂત્રો મુજબ પી.જી. મેડિકલમાં પ્રવેશ માટેની નીટ આગામી 23મી જૂને લેવામાં આવશે. આ પરીક્ષા પછી પરિણામ જાહેર થયા બાદ ઓગસ્ટમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે કારણ કે, ઇન્ટર્નશીપ પુરી કરવા માટે 31મી જુલાઇ સુધીની મુદત આપવામાં આવી છે. આમ, છેલ્લા ત્રણ વર્ષની જેમ ચાલુવર્ષે પણ પી.જી.મેડિકલમાં પ્રવેશમાં વિલંબ થશે.