દુકાનમાં કામ કરતા ચાર બંગાળી કારિગરની સંડોવણીની શંકા સાથે પૂછપરછ
શહેરમાં ચોર , ગઠીયા અને લૂંટારાનો ઉપદ્રવ વધી ગયો હોય તેમ લાતી પ્લોટમાં પરિવારની ઉંઘમાં ખલેલા પાડયા વિના રુા.1.75 લાખની ચોરી બાદ પેલેસ રોડ પર આશાપુરા મંદિર નજીક આવેલા રાજશ્રૃગીં એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા એસ.એમ.ઓર્નારમેન્ટ નામની પેઢીમાંથી રુા.15 લાખની કિંમતનું સોનું ચોરાયાની પોલીસમાં જાહેરાત થઇ છે. એ ડિવિઝન પોલીસે ચાર બંગાળી કારિગરની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી વિસ્તારમાં રહેતા મોયુદીન ઉર્ફે રાજીવ અને અન્ય ચાર બંગાળી કારિગરો પેલેસ રોડ પર રાજશ્રુંગી એપાર્ટમેન્ટના ત્રીજા માળે સોનું ઓગાળવાનું કામ કરે છે.
ગતરાતે પાંચય ઘરે ગયા બાદ સવારે પેઢીની તિજોરીમાં રુા.15 લાખની કિંમતનું 400 ગ્રામ સોનું જોવા મળ્યું ન હતું. મોયુદીન ઉર્ફે રાજીવે રુા.15 લાખના સોનાની ચોરી અંગે એ ડિવિઝન પોલીસમાં જાહેરાત કરતા પી.આઇ. કે.એન.ભુકણ, પી.એસ.આઇ. વાઘેલા, એએસઆઇ મહેશભાઇ લુવા, ભરતસિંહ ગોહિલ અને અશ્ર્વિનભાઇ સહિતના સ્ટાફે પેઢીમાં કામ કરતા ચાર બંગાળી કારિગરની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.
પેઢીનું તાળુ તુટયુ નથી અને તિજોરીમાંથી 400 ગ્રામ સોનાની થયેલી ચોરીમાં જાણભેદુની જ સંડોવણી હોવાની શંકા સાથે પોલીસ દ્વારા સઘન તપાસ હાથધરવામાં આવી છે તેમજ પેઢી આજુ બાજુના સીસીટીવી ફુટેજ મેળવવામાં આવ્યા છે.