RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 5200 અરજી આવી હતી તેમાં 4600 બાળકોએ પ્રવેશ મેળવ્યો, તમામ ડોક્યુમેન્ટ્સની થશે તપાસ

ગેરકાયદેસર રીતે RTE હેઠળ પ્રવેશ મેળવનાર તમામ બાળકોના વાલીઓ પર કાયદેસરની કાર્યવાહી થશે

રાઈટ ટુ એજ્યુકેશન એ ગરીબ અને પછાત વર્ગના બાળકોના ભણતર માટેની યોજના છે.  RTE હેઠળ ગરીબ અને પછાત બાળકોને મફત શિક્ષણ આપવાની સરકારની યોજનામાં પણ આજે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ગેરરીતી થઈ રહી છે.RTE હેઠળ પ્રવેશ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં રાજકોટ અને જિલ્લામાં 400 જેટલા એવા વાલીઓ છે જેમણે RTE હેઠળ પોતાના બાળકનું એડમિશન લેવામાં ગેરરીતી આચરી હોય.

ગયા વર્ષે ઊંચી ફી ભરીને ધોરણ 1 ભણી ગયેલા રાજકોટના 500 થી વધુ બાળકોના વાલીઓએ બીજી વખત પોતાના બાળકનું RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ લઇ લીધો છે જેથી હવે ધો.1થી 8 સુધી મફત શિક્ષણ મળી શકે. શહેરમાં 400 જેટલા વાલીઓએ નામ, જન્મતારીખ જેવી વિગત બદલીને બીજી વખત પ્રવેશ લીધો હોવાનું સામે આવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા એ અબતક મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે હાલમાં 360 બાળકોના ફોર્મ રદ કરી નાખવામાં આવ્યા છે અને હજુ પણ તપાસ શરૂ છે.તપાસ પૂર્ણ થયે તંત્ર દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

RTE માં બાળકોનું આધાર કાર્ડ અને જન્મ પ્રમાણ પત્રના નંબર લિંક કરવામાં આવે તો અનેક સોલ્યુશન: ડી.વી.મહેતા (પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ)

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા એ જણાવ્યું હતું કે RTE હેઠળ દર વર્ષે 25 % વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં ફાળવવામાં આવે છે.આની સંપૂર્ણ પ્રક્રિયા શિક્ષણ વિભાગ દ્વારા જ કરવામાં આવે છે.પહેલા ધોરણમાં વિદ્યાર્થી હોઈ ત્યારે તેનો યુડાએસ નંબર જનરેટ થતો હોય છે. જેમ ક્યુઆર કોડ હોઈ તેમજ આ નંબર હોઈ પરંતુ વાલીઓ ફરીથી RTE હેઠળ પોતાના બાળકને પ્રવેશ માટે બાળકોના નામ અથવા તો સરનેમ માં ડોક્યુમેન્ટ્સ માં ચેડાં કરતા હોય છે.માટે સિસ્ટમમાં એ નામ દેખાઈ નહીં અને એ બાળક ટ્રેક થાય નહિ.ડી.વી.મહેતા એ સૂચન આપવા જણાવ્યું હતું કે પહેલા ધોરણમાં બાળક પ્રવેશ મેળવે તો તેનો આધાર નંબર તેમજ જન્મ પ્રમાણ પત્ર નંબર આ બંને નંબર તેમાં ઉમેરવામાં આવે તો આ રીતની ઘટનાનું સોલ્યુશન થઈ શકે તેમ છે.

વાલીઓને અનુરોધ કે રૂપિયામાં ફાયદો મેળવવા અન્ય બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન કરો: બી.એસ.કૈલા (જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ)

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને માહિતી મળતાની સાથે જ RTE હેઠળ પ્રવેશ મેળવનાર તમામ બાળકોની ચકાસણી શરૂ કરી હતી જેમાં પ્રાથમિક તબક્કે 400 બાળકો એ ગેરકાયદેસર રીતે બીજી વખત ધોરણ 1 માં પ્રવેશ મેળવ્યા નું ખુલ્યું હતું. અબતક મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે RTE હેઠળ વર્ષ 2023 જૂન સત્રથી શરૂ થનાર ધોરણ 1 ના પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડમાં શહેર અને જિલ્લામાં 5200 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલ.4600 વિદ્યાર્થીઓ એ પ્રવેશ કંફોર્મ કરાવ્યો છે.

બાકીના 600 જેટલા બાળકો માંથી 200 જેટલા બાળકોએ પસંદગીની શાળા ન  મળવાના કારણે પ્રવેશ નથી મેળવ્યો પરંતુ 400 જેટલા બાળકો એવા છે કે જે બાળકો ધોરણ 1 માં અભ્યાસ કરી ચુક્યા છે માટે શાળાઓએ જ તેમને પ્રવેશ આપવાની ના પાડી છે.હાલમાં એ સીટો ખાલી છે.અત્યાર સુધીની તપાસ માં 360 બાળકોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે.તમામ બાળકોના વાલીઓ વિરૂદ્ધ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

વાલીઓને વિનંતી કરતા જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા એ જણાવ્યું હતું કે રૂપિયા બચાવવા અને કરકસર કરવા માટે થઈ ને કોઈ પણ રીતે તમારા બાળકોને RTE હેઠળ પ્રવેશ ન અપાવો. જરૂરિયાત મંદ બાળકોમાં માટે આ સંપૂર્ણ પ્રક્રિયા છે જેના કારણે બાળકો પ્રવેશ મેળવી પોતાનું ભવિષ્ય બનાવી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.