ઓછી સંખ્યા હોય તેવા બે મતદાન મથકોને ભેગા કરી દેવા પંચમાં દરખાસ્ત : 21 જુલાઈથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
રાજકોટ લોકસભા વિસ્તારના 40 મતદાન મથકો મર્જ થશે. ઓછી સંખ્યા હોય તેવા બે મતદાન મથકોને ભેગા કરી દેવા પંચમાં દરખાસ્ત કરાઈ છે. બીજી તરફ 21 જુલાઈથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
ચૂંટણીપંચ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અંગે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.જેમાં આગામી તા.21 જુલાઈથી એક મહિનાનો ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.જે અંગે તા.4 જુલાઈથી તમામ બી.એલ.ઓને તાલીમ આપવામાં આવનાર છે.
આ સંદર્ભે રાજયના મુખ્ય ચુંટણી અધિકારી પી.ભારતી દ્વારા રાજકોટ સહિત રાજયના કલેકટરો અને નાયબ ચુંટણી અધિકારીઓ સાથે યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં જરૂરી માર્ગદર્શન પુરૂ આપવામાં આવેલ હતું. રાજકોટ સહિત રાજયમાં તા.21 જુલાઈથી 21 ઓગષ્ટ સુધી એક મહિનાંનો ડોર ટુ ડોર મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ દરમિયાન બી.એલ.ઓ. દ્વારા ડોરટુડોર ફરી મતદાર યાદીમાં નવા નામની નોંધણી તેમજ નામ સરનામાં સુધારણાની કામગીરી કરશે.
તેની સાથોસાથ ડુપ્લીકેટ નામનોની ચકાસણી કરવામાં આવશે. અહીંએ ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં 2253 જેેટલા મતદાન મથકો આવેલ છે. આગામી લોક સભાની ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે ચુંટણીપંચ દ્વારા તા.21 જુલાઈથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ડોરટુડોર શરૂ કરવામાં આવનાર છે.
બીજી તરફ રાજકોટ લોકસભામાં 40 મતદાન મથકો એવા છે જેમાં મતદારોની સંખ્યા 1500થી પણ ઓછી છે. જેને પગલે કલેકટર તંત્ર દ્વારા ચૂંટણી પંચમા આવા મતદાન મથકોને મર્જ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.