દોઢ માસમાં એક લાખ લોકોએ રોપ-વેનો લાભ લીધો

ગિરનાર રોપ વેએ માત્ર ૬ સપ્તાહના ગાળામાં ૧ લાખ મુસાફરોનુ વહન કરવાની સિમાચિન્હરૂપ સિધ્ધિ હાંસલ કરી છે તેમ જણાવી, રોપ-વે કંપનીએ કોવિડ-૧૯ ના વોરિયર્સ અને સંરક્ષણ દળમાં કામ કરતી વ્યક્તિઓની રાષ્ટ્રને સેવાની કદરનુ બહૂમાન કરીને આ પ્રસંગે તેમના માટે  માટે વિશેષ યોજના રજૂ કરી, રોપવેના નિયમિત ભાડાની તુલનામાં ૪૦ ટકા ડિસ્કાઉન્ટથી રોપ વેની ટુ-વે મોજ માણી શકશે તેવી વિશેષ ઓફર તા. ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં લાવવામાં આવી હોવાનું જણાવ્યું છે.

ગિરનાર સુધીના અંબાજી મંદિર સુધીના વિશ્વના સૌથી મોટો રોપ-વેનો પ્રારંભ તા. ૨૪ ઓકટોબરના રોજ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો અને તેને મુલાકાતીઓ તરફથી ખૂબ સારો પ્રતિભાવ હાંસલ થયો છે. ત્યારે ઉષા બ્રેકોના, રિજનલ હેડ-વેસ્ટ દિપક કપલીશ જણાવે છે કે અમને એ વાતનો આનંદ છે કે, ગિરનાર રોપવેએ ઉદઘાટન પછી ખૂબ ટૂંકા ગાળામાં ગુજરાત અને ભારતમાંથી સફળતાપૂર્વક ૧ લાખ મહેમાનોનુ વહન કરીને  વધુ એક સિમાચિન્હ હાંસલ કર્યુ છે. કપલીશના વધુમાં જણાવ્યા અનુસાર  કંપની આ સિધ્ધિ માટે ગિરનાર રોપ-વેને વાસ્તવિકતા બનાવનાર તેના તમામ સહયોગીઓની આભારી છે. બીજી બાજુ કોવિડ-૧૯ ની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને પ્રવાસન પ્રવૃત્તિમાં વેગ આવી રહ્યો છે, ત્યારે અમે વધુ મહેમાનોને સર્વિસ પૂરી પાડવા માટે અને ભવિષ્યમાં વધુ બહેતર સિમાચિન્હ હાંસલ કરવા માટે આશાવાદી છીએ.

દરમિયાન ‘અબતક’ દૈનિક સાથેની ફોનિક મુલાકાતમાં ઉષા બ્રેકોના હેમંત સિડકરે જણાવ્યું હતું કે, સૌથી જૂના રોપ-વે ડેવલપર ઉષા બ્રેકો દ્વારા આ પ્રસંગે કોવિડ- ૧૯ વોરિયર્સ અને સંરક્ષણ દળમાં કામ કરતી વ્યક્તિઓ માટે પણ વિશેષ યોજના રજૂ કરી  છે.

આ વિશેષ યોજના હેઠળ ડોકટરો, નર્સો, એમ્બ્યુલન્સના ડ્રાઈવર, પોલિસ, આશા વર્કર્સ અને કોવિડ-૧૯ની કામગીરી સંભાળી રહેલા મેડિકલ સ્ટુડન્ટસ, મીડિયા તેમજ પાવર, ગેસ, ટેલિકોમ, સંરક્ષણ દળની વ્યક્તિઓ, અને તેમના પરિવારો અને મિત્રો  નિયમિત ભાડાની તુલનામાં ૪૦ ટકા ડિસ્કાઉન્ટથી રોપ વેની ટુ-વે મોજ માણી શકશે. આ વિશેષ ઓફર તા. ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. અને આ યોજનાનો લાભ લેવા માટે કોરોના વોરિયર્સ એ તેમનું આઇકાર્ડ સાથે રાખવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.