રશિયા દ્વારા હવાઇ હુમલો કરાયો: અનેક લોકો કાટમાળમાં દટાયા
નોર્થ સીરિયામાં આજે એક એર સ્ટ્રાઇકમાં બે બાળકો સહિત ૧૮ નાગરિકોના મોત થયા છે. આ એરસ્ટ્રાઇક સીરિયન ગવર્મેન્ટના મિત્ર દેશ રશિયાએ કરી હોવાનું અનુમાન છે. બ્રિટન સ્થિત ઓબ્ઝર્વેટરી સેન્ટરે આ અંગે જાણકારી આપી છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું કે, વેસ્ટ ઇદલિબ પ્રાંતના રહેણાંક વિસ્તાર ઝરદાનામાં આ હુમલો થયો છે. હુમલામાં ૫૦ લોકો ઘાયલ થયા છે. ઓબ્ઝર્વેટરી ચીફ રામી આબ્લેદના જણાવ્યા અનુસાર, એરસ્ટ્રાઇકના કારણે હજુ ઘણાં લોકો કાટમાળમાં દબાયેલા છે, તેથી મૃતકોની સંખ્યા વધી શકે છે. બીજી તરફ, સાઉથ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ કરેલાં હુમલામાં ૧૧ સૈનિકો સહિત ૨૨ લોકોનાં મોત થયા છે.
સાઉથ સીરિયામાં ગુરૂવારે મોડી રાત્રે ઇસ્લામિક સ્ટેટ ગ્રુપના આતંકીઓએ ૨૨ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. મૃતકોમાં ૧૧ સૈનિકોનો સમાવેશ થાય છે જેમાંથી બે ઉચ્ચ કક્ષાના ઓફિસર હતા. આતંકીઓ દ્વારા અચાનક કરાયેલા આ હુમલામાં ૧૨ આતંકીઓના પણ મોત થયા છે. સ્વેઇડામાં ગુરૂવારે મોડી રાત્રે આતંકીઓએ અચાનક જ હુમલો કર્યો હતો.
બ્રિટનમાં આવેલી સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સના મોનિટરિંગ ગ્રુપના જણાવ્યા અનુસાર, સાઉથ પ્રાંતમાં સ્વેઇડા આતંકીઓનો ગઢ ગણાય છે. આતંકવાદીઓએ પોતાના જ વિસ્તારમાંથી આ પ્રકારે હુમલો કર્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ ઘટનામાં જે લોકોના મોત થયા છે તેમાં ૧૧ સૈનિકો ઉપરાંત ૯ ઇરાની અને પ્રો-ઇરાન મિલિટન્ટ્સનો સમાવેશ થાય છે. ગત મે મહિનામાં આર્મીએ દમાસ્કસ વિસ્તારને આતંકીઓથી મુક્ત કર્યા બાદ આઇએસ દ્વારા આ પ્રકારના હુમલાઓ કરવામાં આવે છે. બે અઠવાડિયામાં અહીં આતંકી હુમલાઓમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં ૧૮૪એ પહોંચી ગઇ છે. જ્યારે સૈન્ય દ્વારા જવાબી કાર્યવાહીમાં ૯૨ આતંકીઓના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪માં આઇએસએ સીરિયા અને તેના પાડોશી દેશ ઇરાકમાં કેટલાંક વિસ્તારો પર કબ્જો મેળવ્યો હતો. આ આતંકીઓને હટાવવા માટે અમેરિકાએ કુર્દીશ-અરબના સૈન્યને સપોર્ટ કર્યો છે. જ્યારે રશિયા, સીરિયાના પડખે ઉભું છે. ૨૦૧૪ બાદની સૈન્ય કાર્યવાહીના કારણે આતંકીઓ હવે સીરિયામાં માત્ર ત્રણ ટકા વિસ્તારમાં જ છે. જેમાં મોટાંભાગના ઇરાક નજીક આવેલી ઇસ્ટ ડેઝર્ટ બોર્ડરમાં છૂપાયેલા છે.