પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં લાભાર્થીઓનું જિલ્લા કલેકટરને આવેદન
શહેરમાં નિર્માણ પામેલી આવાસ યોજનાઓનાં લાભાર્થીઓને હાઉસીંગ લાને અંતર્ગત સબસીડી ચુકવવામાં ૪ વર્ષથી વિલંબ થઈ રહ્યો છે. આ મુદે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં લાભાર્થીઓએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને તાકીદે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
આવેદનમાં જણાવાયું છે કે મહાનગરપાલીકા વિસ્તારમાં આવેલ જુદી જુદી સરકારી યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારો માટે બનાવવામાં આવેલા એલ.આઈજી. કેટેગરીનાં ૨૧૪૨ ઈડબલ્યુએસ કેટેગરીના ૪૨૭૯ આવાસ ધારકો જૂન ૨૦૧૫થી રા.મ.ન.પા. રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીની કેટેગરી પ્રમાણે રૂપીયા દોઢ લાખ થી લઈ રૂપીયા બે લાખ સડસઢ હજાર સુધીની સબસીડીની સાયની રકમ ચૂકવવામાં આવશે તેવી મસમોટી જાહેરાતો બાદ ચાર વર્ષનો સમયગળો વિતવા છતા આ ગરીબ અને મધ્યમવર્ગનાં લોન ધારકોના ખાતામાં સરકાર દ્વારા ફદીયું પણ જમાં કરાવવામાં આવેલ નથી જેના કારણે આ યોજનાના લાભાર્થીઓને સબસીડીનો લાભ ન મળવાના કારણે લોનની રકમનો હપ્તો વધુ ચૂકવવું પડે છે. તેમજ લોન ઉપરનું વ્યાજ પણ ખૂબ વધી જાય છે. જેના કારણે આ યોજનાનો કોઈ લાંબાગાળાનો હેતુ સરતો નથી.
હાઉસીંગ લોન મળ્યા બાદ લાભાર્થી દ્વારા ૩ થી ૫ માસ સુધી નિયમ અનુસાર હપ્તા ભરપાઈ થતા હોય ત્યારે બેંક દ્વારા જાહેર થયેલી યોજનાઓ મુજબ સરકાર સાથે કરાર કરેલ જુદી જુદી સરકારી બેંકો અને ફાઈનાન્સ કંપનીઓ દ્વારા સબસીડીનું માંગણાપત્રક સરકાર સમક્ષ કરવાનો હોય છે. અને તે રકમ ૩ થી ૫ માસની અંદર લાભાર્થીના ખાતામાં જમા થઈ જતી હોય છે. જેથી લાભાર્થીને લોનનો હપ્તો અને વ્યાજના દરમાં લાંબાગાળે મોટો ફાયદો થતો હોય છે.