કોરોના નિયંત્રણ માટે વૃઘ્ધાએ મદદનો હાથ લંબાવ્યો
રાજકોટ મામલતદારે તેમના ઘરે જઇને ચેક સ્વીકાર્યો: વૃઘ્ધા અશકત હોય તંત્રની પ્રશંસનીય સેવા
સમગ્ર વિશ્ર્વની સાથે આપણો દેશ પણ કોરોના નિયંત્રણની લડાઇ લઇ રહ્યો છે. આપણું ગુજરાત પણ કોરોના સામેની લડાઇ ‘લોકડાઉન’નો કડક અમલ કરી રહ્યો છે. ત્યારે વિવિધ સેવાકિય પકલ્યો સાથે લોકોની ભોજન સેવા રાશન કિટ વિગેરે આપી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ જનસમુદાય ઉદ્યોગપતિઓ પોતાના ફાળો આપી રહ્યા છે.
આ બધા વચ્ચે ગઇકાલે શહેરમાં એક સુંદર લાગણીસભર દેશ સેવાની ઘટના જોવા મળી ૯૩ વર્ષના અશકત જૈન વણિયા જયોત્સનાબેન જયંતિલાલ મોદીએ તંત્રને ફોન કરીને પોતે ચાલી શકે તેમ ન હોય મારી સહાયનો ચેક એકત્ર કરી લેશો. તુરંત જ રાજકોટ દક્ષિણ મામલતદાર સી.એમ. દંગી, નાયબ મામલતદાર એસ.બી. કથીરીયા અને એન.ડી. રાજા તેમના નિવાસ સ્થાને જઇને રૂા ૧,૦૦,૦૦૦/- ની રકમનો ચેક સ્વીકાર કરીને સ્થળ પર જ પહોંચી આપીને આભારની લાગણી વ્યકત કરી હતી.
જયોત્સનાબેન મોદી ૧૯૬૫-૬૬માં રાજકોટ નગરપાલિકાની ચૂંટણી પણ લડયા હતા. નિ:સંતાન એવા જયોત્સાનાબેનના પતિનું ૧૦ વર્ષ પહેલા અવસાન થતા છેલ્લા ઘણા વર્ષોથી પોતે પોતાની મુળીમાંથી યથા યોગ્ય દાન કરી રહ્યા છે. કોઇ પણ જાતની તકલીફ કે માંદગી વગર તંદુરસ્ત જીવન જીવતા જયોત્સનાબેનને ૯૩ વર્ષની ઉંમરને કારણે શારિરીક તકલીફ રહે છે આજે પણ એકલા રહેતા તેઓ ઘરના તમામ કાર્યો જાતે જ કરે છે. પોતાના પરિવાર સેવાકિય જીવન વિષે વાત કરતાં ‘અબતક’ને જણાવ્યું કે મારાથી થાય તે હું જાતે જઇને ચેક કરીને સહાય કરું છું. મારા પરિવારમાં સૌ સુખી છે.
પૂજા-પાઠ સાથે આનંદથી જીવન વ્યતીત કરતા જયોત્સાનાબેનને વધુમાં જણાવેલું કે કોરોના ની મહામારી આપણાં ગુજરાત સાથે રાજકોટમાં આવી ત્યારે મારે દેશના નાગરીક તરીકે મદદ કરવી જોઇએ તેથી મે મારી મુડીમાંથી આ દાન આપ્યું છે. ‘અબતક’ની ટીમને તેના ઘરની મુલાકાતે ચોખ્ખાઇ- પવિત્રસભર વાતાવરણ જોવા મળ્યું હતું. જૈન ધર્મી જયોત્સનાબેનની ૯૩ વર્ષની ઉંમરે સ્કૂર્તિ સ્ટેમીના તથા સેવા ભાવના ઉડીને આંખે વળગી હતી.