કેટેગરીમાં ૫૦૦ ફોર્મ ઉપડી ગયા તંત્રને ૨૩ હજારથી વધુની આવક: જાહેરાત માટેના ટેન્ડર ૧૬મીએ ખુલશે
શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી ૧લી સપ્ટેમ્બરથી યોજાનાર જન્માષ્ટમી લોકમેળા માટે લોકમેળા સમીતી દ્વારા ૪ થી ૫ કરોડ રૂપિયાનું વિમાકવચ લેવામાં આવશે. આ માટે વિમા કંપનીઓ સાથે વાટાઘાટો ચાલુ છે. દરમિયાન છેલ્લા ચાર દિવસમાં લોકમેળા માટે શરૂ થયેલા ફોર્મ વિતરણમાં ૫૦૦ જેટલા ફોર્મ ઉપડી ગયા છે અને તંત્રને ૨૩ હજારથી વધુની આવક થવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાતા પરંપરાગત જન્માષ્ટમી લોકમેળામાં આવતા સહેલાણીઓની સુરક્ષા માટે લોકમેળા સમીતી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂ.૪ થી ૫ કરોડનું વિમાકવચ લેવામાં આવશે. આ માટે લોકમેળા સમીતી દ્વારા વિમા કંપની સાથે વાટાઘાટો ચાલું છે અને એકાદ-બે દિવસમાં વિમા પોલીસી અંગે ફાઈનલ નિર્ણય લેવાશે.
દરમિયાન તા.૨૧ થી શરૂ થયેલ લોકમેળાની કેટેગરી માટેના ફોર્મ વિતરણમાં ઈન્ડિયન બેંક ખાતેથી ૩૦૦ જેટલા અને જુની કલેકટર કચેરી ખાતેથી ૨૦૦ જેટલા ફોર્મ મળી ચાર દિવસમાં કુલ મળી ૫૦૦ જેટલા ફોર્મનું વિતરણ થયું છે અને તંત્રને ફોર્મ વિતરણ પેટે રૂ.૨૩ હજારથી વધુની આવક થઈ હોવાનું સતાવાર સુત્રો જણાવી રહ્યા છે.
વધુમાં લોકમેળા સમીતી દ્વારા સાંસ્કૃતિક લોકમેળો-૨૦૧૮ માટે અલગ-અલગ કેટેગરીમાં જાહેર ખબર માટેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ચાર મુખ્ય પ્રવેશદ્વાર, મેળાની અંદર લાઈટ અને સાઉન્ડના ટાવર-૨૦, ૧૦ વોચ ટાવર, સ્ક્રોલ તેમજ વિઝયુઅલ જાહેર ખબર માટે એલઈડી સ્ક્રીન અને સ્ટેજ પરથી જાહેરાત માટેના ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા છે. જેથી રસ ધરાવતી વ્યકિતઓએ ઉપરોકત કેટેગરીમાં જાહેર ખબરનો કોન્ટ્રાકટ લેવા ઈચ્છતા હોય તેઓએ તા.૧૬મી ઓગસ્ટ સુધીમાં ભાવો મોકલી આપવાના રહેશે અને ૧૬મી ઓગસ્ટના રોજ જ આ ટેન્ડરો ખોલવામાં આવનાર હોવાનું લોકમેળા સમીતીના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.