ભાજપને સાત, કોંગ્રેસ, એનસીપી, આરજેડીને બે-બે જયારે શિવસેનાને એક બેઠક બિનહરીફ મળી
સંસદના ઉપલાગૃહ રાજયસભાની ખાલી પડનારી ૫૫ બેઠકો માટે આગામી તા.૨૬ના રોજ ચૂંટણી યોજાનારી હતીજે માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના ગઈકાલે આખરી દિવસે ચાર રાજયોની ૧૬ બેઠકો પર એક એક જ ઉમેદવાર રહેતા આ ૧૬ બેઠકોને બિનહરીફ જાહેર કરવામાં આવી છે. જે રાજયોમાં બિનહરીફ ૧૬ ઉમેદવારો ચૂંટાયેલા જાહેર કરાયેલ છે. તેમાં મહારાષ્ટ્રમાં સાત ઉમેદવારો, બિહારના પાંચ ઉમેદવારો, આસામમાં ત્રણ ઉમેદવારો અને હિમાચલ પ્રદેશના એક ઉમેદવારનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં એનસીપીમાંથી શરદ પવાર, અને પૂર્વમંત્રી ફૂમીયાખાન, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી, કોંગ્રેસના રાજીવ સાતવ, ભાજપના ઉદયનરાજે ભોંસલે અને ભાગવત કરાડને બિનહરીફ ચૂંટાયલે જાહેર કરાયા છે.
બિહારના તમામ પાંચ ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા છે. જનતા દળ યૂનાઈટેડના હરિબંશ અને રામનાથ ઠાકુર, ભાજપના વિવેક ઠાકુર અને આરજેડીના પ્રેમચંદ ગુપ્તા અને એડી સિંહ બિનહરિફ રાજ્યસભાના સભ્ય ચૂંટાયા છે.
અસમની ત્રણ રાજ્યસભા સીટો માટે ત્રણ સભ્ય બિનહરિફ ચૂંટાયેલા જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમાં ભુવનેશ્વર કલીતા ભાજપમાંથી અને ભાજપની સહયોગી બીપીએફના વિશ્વજીત ડાઈમરી છે. ત્રીજા સભ્ય અજીત કુમાર ભુયાન અપક્ષ છે અને તેમને કોંગ્રેસ અને એઆઈયૂડીએફનું સમર્થન મળેલું છે. હિમાચલ પ્રદેશથી ભાજપના ઈંદુ ગોસ્વામી રાજ્યસભા માટે બિનહરિફ ચૂંટાયા છે.
પાર્ટી મુજબ સ્થિતિ જોઈએ તો ભાજપને મહારાષ્ટ્રમાં ત્રણ, બિહારમાં એક, અસમમાં બે અને હિમાચલમાં એક એમ કુલ સાત બેઠકો મળી છે. એનસીપીને બે, જેડીયુને બે, આરજેડીને બે, કોંગ્રેસને બે, શિવસેનાને એક બેઠક બિનહરીફ પ્રાપ્ત થઈ છે.