ભુજમાં દીવાલ પડતા બે બાળકોના મોત, પોરબંદરમાં મકાન ધરાશાયી થતા આધેડનું મોત, જસદણમાં વૃક્ષ પડતા પરિણીતાનું મોત
બિપરજોય વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર કચ્છમાં 4 લોકોનો ભોગ લેવાયો છે. જેમાં ભુજમાં દીવાલ પડતા બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે પોરબંદરમાં મકાન ધરાશાયી થતા આધેડનું મોત નીપજ્યું છે. અને જસદણમાં વૃક્ષ પડતા પરિણીતાનું મોત નીપજ્યું છે.
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટા પાયે વાવાઝોડું ત્રાટકી શકે છે. આ વચ્ચે ભુજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકને ઈજા પહોંચી છે. લખુરાઈ ચાર રસ્તા પર દીવાલ પડતા બે બાળકોના મોત થયા છે. બાળકો રમી રહ્યાં હતા ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. ભારે પવનને કારણે દીવાલ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ભુજના લખુરાઈ ચાર રસ્તા પર બાળકો રમી રહ્યાં હતા આ દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ નીચે દબાવાને કારણે બે બાળકોના મોત થયા છે. જ્યારે એક બાળકને ઈજા થઈ છે. બાળકોના પરિવારજનોએ કહ્યું કે ભારે પવનને કારણે દીવાલ ધરાશાયી થઈ છે. બંને બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જીકે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ રસ્તા પરથી પસાર થઈ રહેલાં એક બાઈક સવાર દંપત્તિ પર પડ્યું હતું. જેના કારણે મહિલાનું મોત થયું હતું. વર્ષાબેન ભાવેશભાઈ બાવળીયાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.