સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સમયથી સામુહિક આપઘાતના કિસ્સા વધતા જઈ રહ્યા છે. કોઈક વ્યાજખોરોના ત્રાસથી તો કોઈ અન્ય વિવાદોના કારણે જીવન ટૂંકાવી રહ્યા છે. રાજકોટમાં આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટની પ્રખ્યાત શિવ શક્તિ ડેરી વિવાદમાં સપડાઈ છે.
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી શિવશક્તિ ડેરી ખાતે ચાર લોકોએ ફીનાઇલ ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પગલાં પાછળ જમીન વિવાદ હોવાનું સામે આવ્યું છે. ઘટના બનતાની સાથે જ માલવીયાનગર પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક ચારેય લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ચારેય લોકોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો…?? કેમ શિવ શક્તિ ડેરીમાં આપઘાતના પ્રયાસનો બનાવ ??
મવડી સર્વે નંબર ૧૯૬ પૈકીની રૂ. ૫૦ કરોડની ૩ એકર ૨૮ ગુંઠા જમીનમાં સૂચિત સોસાયટી ઉભી કરી દેવાઈ હતી. જેના કારણે જમીનના મૂળ માલિક બચુ ભૂટા અને મકાનધારકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા વર્ષ ૨૦૧૭મા સુપ્રીમ કોર્ટે જમીનના મૂળ ખાતેદારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જે બાદ વર્ષ ૨૦૧૭માં શિવશક્તિ ડેરીના માલિક જગદીશભાઈ અકબરી સહિતના ૮ વેપારીઓએ મૂળ ખાતેદાર પાસેથી જમીન વેંચાતી લીધી હતી. તે બાદ પણ સ્થાનિક રહેવાસીઓએ જગ્યા ખાલી નહીં કરતા અંતે પૈસા આપીને જગ્યા પરત મેળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે ગત ૩ દિવસ પૂર્વે જગદીશભાઈ અકબરીને ફોન આવ્યો હતો જેમાં રહેવાસીઓએ કહ્યું હતું કે, હજુ અમને પૈસા મળ્યા નથી જેથી જગદીશભાઈએ રૂબરૂ ફાઇલ લઈને મળવા બોલાવ્યા હતા. જે બાદ તેમને કોઈ મળવા આવ્યું ન હતું.
જે બાદ આજે ચાર લોકોએ એકાએક શિવશક્તિ ડેરી ખાતે જઈને ફીનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ચારેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તમામ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.