પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૯ થઇ
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે કોરોના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે જુનાગઢમાં જાણે કે પોઝિટિવ કેસોનો રાફડો ફાટયો હોય તેમ રવિવારે વધુ ત્રણ નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર ગઈકાલે વધુ ત્રણ કેસ સામે આવ્યા છે, જેમાં વિસાવદરના ૧૫ વર્ષના છોકરાના માતા તથા પિતાના રિપોર્ટો પણ પોઝિટિવ આવ્યા છે અને ત્રીજો બરડિયા ગામના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વિસાવદરના પ્રેમપરા ગામના ૧૫ વર્ષના છોકરાની સાથે તેમના માતા તથા પિતા પણ મુંબઈથી સાથે આવેલા હતા અને તેઓ આ છોકરાના સંક્રમણમાં આવ્યા હતા, જેથી તે બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે બરડિયા ના ૪૮ વર્ષીય એક યુવાન પણ ગાઇકાલે કોરોના પોઝીટીવ જાહેર થતાં ત્રણેયને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. જૂનાગઢમાં રવિવારે ત્રણ પોઝિટિવ કેસ જાહેર થતાં જિલ્લામાં કુલ નવ અત્યાર સુધીમાં કેસ નોંધાયા છે, જે પૈકી કોરોનાના બે પોઝીટીવ દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે સાત પોઝિટિવ દર્દીઓ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.