જૂનાગઢમાં બમ બમ ભોલેના નાદ સાથે મિની કુંભ મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગિરનાર ખાતે મીની કુંભ મેળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. રાજ્યપાલે ધ્વજારોહણ કરાવી મીની કુંભ મેળાની શરૂઆત કરાવી હતી. ત્યારે ગિરનાર મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.મોટી સંખ્યામાં સાધુ સંતો સહિતનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભવનાથનાં ગિરનાર મહાશિવરાત્રિ કુંભ મેળામાં ચાર દિવસમાં 4 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. આજે પાંચમાં દિવસે ભાવિકોનો પ્રવાહ સવારથી આવવાનું શરૂ થઇ ગયું છે. આજે દિવસ દરમિયાન ગઇકાલ કરતાં ભાવિકોની સંખ્યામાં વધારો થશે. ભાવિકોનું મેળામાં આગમન સવારથી લઇને બપોરે 12 સુધી અને બાદમાં 3 વાગ્યા પછી વધુ થાય છે. બપોરના અરસામાં ભાવિકોનો પ્રવાહ જૂનાગઢથી ભવનાથ તરફ નહીંવત હોય છે
એકંદરે દિવસ કરતાં રાત્રિનાં સમયે ભાવિકોનો ધસારો વધુ રહે છે. મેળામાં આવતા સંતો રોડની સાઇડે ધૂણી ધખાવતા હોય છે. પણ આ વખતે તંત્રની દખલગિરી વધુ પડતી હોઇ ઘણાખરા સંતોએ પોતાની જગ્યા બદલવી પડી છે. તો પાથરણાવાળાઓએ પણ મેળા ગ્રાઉન્ડ અને જૂના અખાડાથી મંગલનાથની જગ્યા પાસેથી કાઢી મૂકાતાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ પાસે ડીવાઇડર પર બેસી ધંધો શરૂ કર્યો છે. આજે રવિવારે સંત સંમેલનનું આયોજન કરાયું છે જેમાં મોરારિબાપુ વક્તવ્ય આપનાર છે. તેમના કાર્યક્રમમાં ભાવિકોની ભીડ વધવાની શક્યતા હોઇ ખુદ પ્રકૃતિધામ ટૂંકું પડે એવી સ્થિતી સર્જાવાની વકી છે.