સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર ગેરકાયદે ધમધમતી ખાણ અને ખનીજ ચોરીની ફરિયાદો ઉઠતી હોય છે. સ્થાનિક તંત્રની મીઠી નજર અથવા તો બાજ નજર બહાર ધમધમતા ખનીજ ચોરીમાં અવાર નવાર દુર્ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે આવી ઘટનાઓમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. આ ગેરકાયદે ખાણમાં ચાર શ્રમિકોના મોત નીપજાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. મુળી તાલુકાના ખંપાળીયા ગામ ખાતે ધમધમતી કોલસાની ગેરકાયદે ખાણમાં ભેખડ ધસી પડતા ચાર શ્રમિકોના મોત નીપજ્યા છે.
ગઢડા-ખંપાળીયા ગામની આસપાસ ગેરકાયદે ધમધમે છે આશરે 250 જેટલી કોલસાની ખાણ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પંથકમાં ખંપાળિયા ગામે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણમાં અચાનક ભેખડ ધસી પડતા અંદર કામ કરી રહેલા ચાર શ્રમિકો દટાઈ ગયા હતા. જે બાદ આ શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાના અહેવાલ સામે આવ્યા છે. હજુ સુધી આ મામલે કોઈ પણ ફરિયાદ નોંધાઈ નથી. ચાર શ્રમિકોના મોત નીપજ્યાંના અહેવાલ બાદ હજુ સુધી તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે. ઉલ્લેખની બાબત છે કે, સુરેન્દ્રનગરના મુળી પંથકમાં ગેરકાયદે કાર્બોસેલ ચોરીની અનેક ફરિયાદો છાશવારે સામે આવતી હોય છે. આ વિસ્તારમાં લગભગ 200 થી 250 જેટલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ધમધમે છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રનગર પંથકમાં આશરે 1,000 થી વધુ ગેરકાયદે ખાણ ધમધમી રહી છે. તેમાં પણ ગઢડા અને ખંપાળીયા ગામની આસપાસના વિસ્તારમાં આશરે 200 થી 250 જેટલી ગેરકાયદે ખાણ આવેલી છે. આ ખાણમાંથી કાર્બોસેલની ચોરી કરી સમગ્ર સૌરાષ્ટ્રમાં વેપલો કરીને આર્થિક લાભ મેળવવામાં આવે છે. ઉલ્લેખની આ બાબત છે કે કાર્બોસેલ કાઢવા માટે ખોદકામની મંજૂરી કેન્દ્ર સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પાસે લેવી પડે છે પરંતુ ખનીજ માફિયાઓ કોઈ પણ જાતની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે સતત ખોદકામ કરી ખનીજ ચોરી કરતા હોય છે.
જ્યારે ગેરકાયદે ધમધમતી ખાણમાં ભેખડ ધસી પડતા ચાર શ્રમિકોના મોત નીપજ્યા છે ત્યારે હજુ સુધી આ મામલામાં કોઈપણ જાતની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી કે પછી કોઈ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી નથી તેવા પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, થોડા સમય પૂર્વે જ તંત્રએ ખાણ બુરવા માટે રૂપિયા 85 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે. એક તરફ ખાન બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી બાજુ ગેરકાયદે ધમધમતી ખાણમાં આ પ્રકારની દુર્ઘટના સર્જાતા મોટા સવાલ ઉભા થયા છે.
ગેરકાયદે ધમધમતી કોલસાની ખાણ રાજકીય આગેવાનની?
સ્થાનિક વર્તુળો પાસેથી મળતી માહિતી મુજબ જે ખાણમાં ચાર મજૂરોના મોત નીપજ્યા છે તે ખાણ રાજકીય આગેવાનો દ્વારા ચલાવવામાં આવે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગેરકાયદે ચાલતી કોલસાની ખાણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો દ્વારા ચલાવવામાં આવે છે તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી આ મામલામાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
મૃતકોના બારોબાર અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા!!
મુળી પંથકની કોલસાની ખાણમાં જે દુર્ઘટના બની છે તેમાં ચાર જેટલા શ્રમિકોના મોત નીપજ્યાના અહેવાલ વચ્ચે એક અહેવાલ એવો પણ સામે આવી રહ્યો છે કે આ દુર્ઘટનામાં જે ચાર શ્રમિકોના મોત નીપજ્યા છે તેમના અંતિમ સંસ્કાર પણ બારોબાર કરી નાખવામાં આવ્યા છે અને પુરાવાઓનો નાશ પણ કરી દેવામાં આવ્યો હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. ઘટનાને દબાવી દેવા મૃતદેહને પોસ્ટમોટમ અર્થે પણ મોકલવામાં આવી નથી તેવી માહિતી પણ સામે આવી છે.
એમએલસી કે અન્ય કોઈ પણ વિગતો નહીં હોવાથી ફરિયાદ નોંધાઈ નથી: મુળી પોલીસ
અબતક સાથેની ટેલિફોનિક વાતચીતમાં મુળી પોલીસ સ્ટેશશનના ઇન્ચાર્જ પીએસઆઈ ડી ડી ચુડાસમાએ જણાવ્યું હતું કે, બનાવની જાણ સોશિયલ મીડિયા મારફત થતાં પોલીસ, ભુસ્તર શાસ્ત્રી અને મામલતદારની ટીમો ઘટના સ્થળે ગઈ હતી પરંતુ ઘટનાસ્થળેથી કોઈ પણ વિગતો મળી આવી નથી. મૃતકના પરીવારજનો પણ કોઈ વિગત આપી રહ્યા નથી કે પછી એમએલસી પણ નોંધાઈ નથી. જેથી હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. જો કે, હજુ આ દિશામાં તપાસ ચાલુ છે જેથી વિગત મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.