કાશ્મીરની ખીણમાં અશાંતિ ફેલાવનાર હિઝબુલ મુંઝાહીદીનનો કમાંડરનું એન્કાઉન્ટર કરી દેવાયુ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે. પોલીસે કહ્યું છે કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં બટકુટની પૂર્વમાં શ્રીચંદ ટોપમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.
અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને માહિતી મળી હતી કે અહીં આતંકવાદીઓ છુપાયા છે. આ પછી પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ પછી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. મહત્વપૂર્ણ બાબત છે કે, આ અથડામણમાં મોહમદ અશરફ ખાન ઉર્ફે મૌલવી નામનો જે આતંકી ઠાર મરાયો છે તે બુરહાનવાની આતંકી સંગઠનનો અંતિમ આતંકી હતો. જેને ઠાર માર્યા બાદ હવે આ આતંકી સંગઠન હવે ધરમૂળથી ખતમ થઇ ગયું છે.
આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું છે કે હિઝબુલ મુજાહિદ્દીનના સૌથી જૂના આતંકવાદીઓમાંથી એક અશરફ મૌલવી સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. અન્ય બે આતંકીઓની ઓળખ મોહમદ રફીક અને રોશન ઝમીર તરીકે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમરનાથ યાત્રાના માર્ગમાં એન્કાઉન્ટર મોટી સફળતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળો તરત જ આતંકવાદીઓના સ્થાન પર પહોંચી ગયા. આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી એન્કાઉન્ટર શરૂ થયું.
એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જેવી ટીમ આતંકીઓના ઠેકાણા પર પહોંચી કે તેઓ તેમને જોઈને ડરી ગયા. તેણે જણાવ્યું કે આતંકીઓએ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી સુરક્ષાદળોની ટીમે પણ જવાબી કાર્યવાહી કરી અને આતંકીઓ પર ગોળીબાર કર્યો.
હજુ ગુરુવારે જ સીમા સુરક્ષા દળએ એક મોટી સફળતા હાંસલ કરી હતી અને આતંકવાદીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. વાસ્તવમાં બીએસએફએ જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર એક સુરંગ શોધી કાઢી હતી. બીએસએફએ દાવો કર્યો હતો કે તેણે આગામી અમરનાથ યાત્રાને વિક્ષેપિત કરવાના પાકિસ્તાની આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ ક્ષેત્રમાં આ સંદર્ભે ચેતવણી જારી કરવામાં આવી હતી. બીએસએફ અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સાંજે સાંબા જિલ્લામાં ચક ફકીરા બોર્ડર પોસ્ટ વિસ્તારમાં ૧૫૦ મીટરની લાંબી સુરંગની ભાળ મળી આવી હતી.
બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એસપીએસ સંધુએ જણાવ્યું હતું કે, “આ ટનલની શોધ સાથે, બીએસએફએ આગામી અમરનાથ યાત્રાને વિક્ષેપિત કરવાની પાકિસ્તાની આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે.” તેણે કહ્યું કે તાજેતરમાં જ પાકિસ્તાન તરફથી સુરંગ ખોદવામાં આવી હતી. તેનું મોં બે ફૂટ પહોળું છે અને અત્યાર સુધીમાં તેમાંથી ૨૧ બોરી રેતી મળી આવી છે. તેમણે કહ્યું કે સુરંગ સંબંધિત તમામ માહિતી એકત્ર કરવામાં આવશે.
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદથી ૧૫૦ મીટર અને બોર્ડર કોર્ડનથી ૫૦ મીટર દૂર પાકિસ્તાની ચોકી ચમન ખુર્દ (ફૈઝ)ની સામે એક નવી ખોદવામાં આવેલી સુરંગ શોધી કાઢવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ ટનલ બોર્ડર પોસ્ટ ચક ફકીરાથી ૩૦૦ મીટરના અંતરે અને બોર્ડર પર ભારતના છેલ્લા ગામથી ૭૦૦ મીટરના અંતરે ખુલી રહી હતી.