રાજસ્થાનના ધાર્મિક શહેર રાજસમંદમાં એક નિર્માણાધીન ધર્મશાળાની છત અચાનક ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. છત ધરાશાયી થવાને કારણે 4 લોકોના કરૂણ મોત થયા હતા જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
જિલ્લા કલેક્ટર ડૉ. ભંવર લાલે જણાવ્યું હતું કે મોડી રાત્રે 11 વાગ્યે નાથદ્વારાના સિસોદા ગામમાં મેઘવાલ સમાજની નિર્માણાધીન ધર્મશાળાની છત તૂટી પડી હતી, જેમાં 12 થી 13 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી મળી હતી.
માહિતી મળતાં જ ગ્રામ પંચાયતની ટીમ અને SDRFની ટીમ સાથે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમાં 9 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતના કારણો અંગે જણાવાયું હતું કે, ગતરોજ રૂફ સપોર્ટ સિસ્ટમના બીમ અને રાફ્ટર હટાવી દેવામાં આવ્યા હતા અને મોડી સાંજે સામાજીક લોકો સફાઈ અને સામાજિક કાર્ય માટે આવ્યા હતા, ત્યારે જ આ અકસ્માત થયો હતો.
અકસ્માતની માહિતી મળતાં જ જિલ્લા કલેક્ટર ડૉ.ભંવર લાલ, પોલીસ અધિક્ષક મનીષ ત્રિપાઠી, CMHO ડૉ. હેમંત બિંદલ, સબ ડિવિઝનલ ઑફિસર અને અન્ય ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
માહિતી એવી પણ સામે આવી છે કે મેઘવાલ સમાજના મંદિર પર થોડા દિવસો પહેલા છત નાખવામાં આવી હતી. ગત સોમવારે મોડી સાંજે છત તૂટી પડતાં 13 લોકો દટાયા હતા, ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.