શાળા-કોલેજોમાં રજા જાહેર કરતા જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે: જિલ્લામાં ૭૦૦ લોકોનું સ્થળાંતર: રેસ્કયુ કરી ૧૬ને બચાવી લેવાયા: શહેરમાં ૬ સ્થળોએ ઝાડ અને એક જગ્યાએ મકાન ધરાશાયી: સવારથી ધીમીધારે વરસાદ ચાલુ
કામ સિવાય રાજકોટવાસીઓને ઘરની બહાર ન નિકળવા જિલ્લા કલેકટરની અપીલ: સતત એક સપ્તાહથી વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર
રાજકોટમાં ફરી એકવાર મેઘરાજાએ ખાનાખરાબી જેવી સ્થિતિ સર્જી દીધી છે. એક જ રાતમાં શહેરમાં વધુ ૪ ઈંચ વરસાદ ખાબકતા રાજકોટ શહેર થઈ ગયું છે. જળાશયોમાં માતબર પાણીની આવક થતા લાલપરી તળાવ નજીક નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા ૧૦૦થી વધુ લોકોની ગઈકાલે રાત્રે સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ શાળા-કોલેજો બંધ રાખવા આદેશ આપી દીધો છે. જિલ્લામાં રેસ્કયુ કરી ૧૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ૬ સ્થળોએ વૃક્ષો અને એક સ્થળે મકાન ધરાશાયી થઈ ગયું હતું. સવારથી ધીમીધારે વરસાદ ચાલુ હોય જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
રાજકોટમાં આજે સવાર સુધીમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૯૫ મીમી, વેસ્ટ ઝોનમાં વિસ્તારમાં ૯૩ મીમી અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૫૯ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું વરસાદના કારણે લાલપરી તળાવમાં પાણીની ભારે આવક થતા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા ૧૦૦થી વધુ લોકોનું ગઈકાલે રાત્રી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આજે સવારે પાણી ઉતરતા તમામને ફરી તેઓના ઘેરે મોકલી દેવામાં આવ્યા હતા. રાત્રે ધીમીધારે વરસેલા વરસાદના કારણે શહેરના લાખના બંગલા પાસે, એક અમીન માર્ગ પર, બે પટેલ કોલોનીમાં, ૧ સુર્યોદય સોસાયટીમાં અને ૧ આનંદબંગલા ચોક પાસે સહિત કુલ ૬ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ જતા રોડ બંધ કરવાની ફરજ પડી હતી. રાજકોટમાં ૪ ઈંચ વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. સવારથી ફરી વરસાદ શ‚ થઈ જતા લાલપરી વિસ્તારમાં જે લોકોને પોતાના ઘેરે પરત ગયા હતા તેઓનું ફરી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ માટે વીજીલન્સ પોલીસને તૈનાત કરી દેવામાં આવી હતી. સાથોસાથ સ્થળાંતર માટે સીટી બસની પણ વ્યવસ્થા કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે આદેશ આપી દીધો છે.
શહેરના હાથીખાના શેરી નં.૧૧માં વરસાદના કારણે આજે સવારે એક ઘર ધરાશાયી થઈ ગયું હતું. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની પણ આજે રાંદરડા, લાલપરી તળાવ, મંછાનગર અને હાથીખાના વિસ્તારની મુલાકાત લીધી હતી. વરસાદના કારણે લક્ષ્મીનગર અને પોપટપરાનું નાલુ પાણીથી છલકાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. આ લખાય રહ્યું છે ત્યારે ભાદર, આજી અને ન્યારી ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે. ભાદરની સપાટી ૧૯.૬૦ ફુટે, આજીની સપાટી ૨૪.૧૦ ફુટે અને ન્યારીની સપાટી ૧૫.૫૦ ફુટે પહોંચી જવા પામી છે. વરસાદના કારણે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાપાલિકાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. ફાયર બ્રિગેડનો સ્ટાફ નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાવી રહ્યા છે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ જયુબીલી સ્થિત ફલડ કંટ્રોલ‚મનો હવાલો સંભાળી લીધો છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. રાજકોટવાસીઓને અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નિકળવા જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે દ્વારા અપીલ કરવામાં આવી છે. છેલ્લા ૭ દિવસથી રાજકોટમાં અનરાધાર વરસાદ ચાલુ હોવાના કારણે શહેરમાં જનજીવન વ્યાપક અસર પડી રહી છે.