દરોડાના એક દિવસ પૂર્વે જ જલેબી પ્રોડકશન યુનિટ શા માટે સીલ કરાયું, ૫૦ કિલોનો જથ્થો મળ્યો છતાં અખબારોમાં કેમ ૩૦૦ કિલો દર્શાવાયો: ફુડ ઈન્સ્પેકટરે વેપારીને કેમ પોતાના પર્સનલ મોબાઈલ નંબર આપ્યા જેવા શંકા ઉભી કરતા સવાલો
રાજકોટ મહાનગરપાલિકામાં જલેબીકાંડના પ્રકરણમાં આરોગ્ય સમીતીના ચેરમેન જયમીન ઠાકરે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીને કરેલી રજૂઆત બાદ જલેબીકાંડની તપાસ સેન્ટ્રલ ઝોનના ડીએમસી ચેતન ગણાત્રાને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
.ની આરોગ્ય શાખા દ્વારા ગત સપ્તાહે શહેરના કોઠારીયા રોડ પર એક જલેબીના ઉત્પાદન કેન્દ્રમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ૪ ફુડ ઈન્સ્પેકટરોની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને મૌખિકમાં રજુઆત કરવામાં આવી છે અને જલેબીકાંડમાં જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, જલેબી પ્રકરણમાં આરોગ્ય વિભાગની શંકાસ્પદ કામગીરી જણાતા ગઈકાલે કોઠારીયા રોડ પર જે વેપારીને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો તે પરેશભાઈ વેકરીયા નામના વેપારીને મેં રૂબરૂ બોલાવ્યો હતો અને વિગતો એકત્ર કરી હતી. તેઓ માત્ર ૧ રૂમમાં જલેબી બનાવે છે અને દૈનિક ૫૦ કિલો જેટલી જલેબીનું ઉત્પાદન કરે છે. ૨૩ જાન્યુઆરીએ આરોગ્ય વિભાગે દરોડો પાડયો તે પૂર્વે ફુડ ઈન્સ્પેકટર રાજુ પરમાર, કેતન રાઠોડ, વાઘેલા અને મોલીયા ચારેય આગલા દિવસે જ જલેબીનું ઉત્પાદન કેન્દ્ર સીલ કરી આવ્યા હતા અને એવું કહ્યું હતું કે, અમે હવે ફરી પાછા આવીશું. બીજા દિવસે અહીં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, ૩૦૦ કિલો જલેબી પકડવામાં આવી છે અને સેમ્પલ લેવામાં આવ્યું છે. જલેબી બનાવવા માટે ફટકડીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું અખબારોમાં જણાવ્યું હતું. વાસ્તવમાં અહીં જલેબી બનાવવા માટે ફટકડીનો ઉપયોગ કરવામાં આવતો ન હતો અને ૫૦ કિલોથી વધુ જલેબીનો જથ્થો પણ હતો નહીં. આટલું જ નહીં કેતન રાઠોડ નામના ફુડ ઈન્સ્પેકટરે પોતાનો પર્સનલ મોબાઈલ નંબર વેપારીને આપ્યો હતો અને ફોન કરવાનું જણાવ્યું હતું.
આ સંપૂર્ણ પ્રકરણમાં ચારેય ફુડ ઈન્સ્પેકટરો ખાસ કરીને કેતન રાઠોડની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. આ મુદ્દે આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે હું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને રૂબરૂ મળી રજુઆત કરીશ અને જવાબદાર અધિકારી કે કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અને જરૂર પડયે તેઓની ટ્રાન્સફર કરવા સહિતના પગલા લેવાની માંગણી કરવામાં આવશે.