ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના તિકુનિયા વિસ્તારમાં ભારે હંગામો થયો છે. અહીં મંત્રીના પુત્રએ ખેડૂતો પર વાહન ચલાવ્યુ હોવાનો આરોપ લાગ્યો છે. ખેડૂતો મંત્રી વિરુદ્ધ વિરોધ કરવા જઈ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના ગામની મુલાકાતને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાના પુત્ર નાયબ પ્રધાનને રિસીવ કરવા જઇ રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ ભાજપ નેતાના પુત્ર આશીષ મિશ્રાનો વિરોધ કર્યો અને ત્યારે ઘર્ષણ થયું.
વાહનના અડફેટે આવતા કેટલાક ખેડૂતો ઈજાગ્રસ્ત થયા, તે પછી નારાજ ખેડૂતોએ સાંસદના પુત્ર તથા એક અન્ય વાહનને આગ ચાપી દીધી હતી.લખીમપુર ખીરીના તિકુનિયા ખાતે યોજાનારા કુસ્તી કાર્યક્રમમાં નાયબ પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના આગમન પહેલા કૃષિ કાયદાના વિરોધમાં કાળા ઝંડા બતાવીને ખેડૂતો સાથે ઘર્ષણ થયું હતું. ભાજપના નેતાઓ સામે વાહન ચઢાવવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ બનાવમાં 4 ખેડૂતોના મોત નિપજ્યા છે. સામે ખેડૂતોએ 4 ભાજપના કાર્યકરોને મારી નાખ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આમ આ દુર્ઘટનામાં કુલ 8ના જીવ ગયા છે.
દુર્ઘટના સ્થળે જતા પ્રિયંકાની પોલીસે કરી અટકાયત
લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાઈ ગયું છે અને અલગ અલગ પાર્ટીઓના નેતા લખીમપુર ખીરી આવવાની કોશિશમાં છે. યુપી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે. પ્રિયંકા ગાંધી કાલે રાતે લખનઉથી લખીમપુર ખીરી માટે રવાના થયા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાનો કાફલો પોલીસને ચકમો આપીને લખીમપુર ખીરી માટે નીકળ્યો હતો. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની સીતાપુરના હરગાંવથી અટકાયત કરી અને તેમને પોલીસ લાઈન લઈ જવાયા હતા. આ સાથે જ કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડાની પણ અટકાયત કરાઈ હતી.
આ દુર્ઘટના બાદ સયુંક્ત કિસાન મોરચા દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખવામાં આવ્યો છે. સંયુક્ત કિસાન મોરચાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને લખીમપુર ખેરીમાં ખેડૂતોની ઘાતકી હત્યા પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.