૨.૦ થી લઈ ૨.૪ રિકટર સ્કેલના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવસે ને દિવસે ભૂકંપના આંચકાનું પ્રમાણ વધતું જાય છે ત્યારે આજે વહેલી સવારે બે કલાકમાં જ પોરબંદરમાં ભૂકંપના ચાર આંચકા નોંધાયા છે. જો કે, કચ્છમાં કે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં કોઈ આંચકા નોંધાયા નથી.
સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે આજે વહેલી સવારે ૭:૫૭ વાગ્યે પોરબંદરથી ૩૨ કિલોમીટર દૂર નોર્થ-નોર્થ ઈસ્ટ ખાતે ૨.૦ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ત્યારબાદ સવારે ૯:૪૦ વાગ્યે પોરબંદરથી ૩૨ કિલોમીટર દૂર નોર્થ-નોર્થ ઈસ્ટ ખાતે ૨.૧ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ત્યારબાદ ૨૦ મીનીટ પછી જ ૧૦ વાગ્યે પોરબંદરથી ૩૨ કિલોમીટર દૂર નોર્થ-નોર્થ વેસ્ટ ખાતે ૨.૪ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અને તેની ૨૫ મીનીટ બાદ એટલે કે ૧૦:૨૫ કલાકે પોરબંદરથી ૩૬ કિલોમીટર દૂર નોર્થ-નોર્થ ઈસ્ટ ખાતે ૨.૧ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં આજે વહેલી સવારથી ૧૦:૩૦ વાગ્યા સુધીમાં ભૂકંપના ૪ આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ૧ આંચકો ૨.૪ની તિવ્રતાનો હતો. આ આંચકો ઘણા લોકોએ અનુભવ્યો હતો અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, ભૂકંપનો આંચકો આમ સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.
વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ૧૫૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે જેને લઈ ભુસ્તરમાં પાણીની સપાટીમાં વધારો થયો છે જેને કારણે આવા સામાન્ય આંચકાનો અનુભવ વારંવાર થાય છે. તેનાથી લોકોએ ગભરાવાની જરૂર નથી.