બાળલગ્ન પ્રતિબંધક વિભાગ તથા સમાજ સુરક્ષા વિભાગની સ્તુત્ય કામગીરી
ર1મી સદીમાં પણ હજુ ઘણા લોકો કુરીવાજો સાથે જોડાયેલા છે જેનો પરચો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો છે. પહેલાની પરંપરા અનુસાર બાળ લગ્ન કરાવી રહેલા ચાર કિસ્સાઓમાં તંત્રએ ઝંપલાવીને બાળ લગ્નને અટકાવ્યા હતા.
જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક વિભાગ અને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ચાર બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે.
આ અંગેની વિગતો આપતા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામે ભાવેશભાઇ પાંચાભાઇ ખીજડીયાની સોળ વર્ષની પુત્રી ચેના તથા 14 વર્ષની પુત્રી મિરલના લગ્નો ર1 નવેમ્બરે યોજાવાના હતા. જેને બાળ લગ્ન અટકાયત અધિનિયમ અન્વયે અટકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ત્રણ જગ્યાઓએ પણ બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે.
રાજકોટ ગ્રામ્યના જાગૃત નાગરીકોની સાવચેતીને લીધે આ કામગીરી શકય બની છે.આ કામગીરીમાં એમ.પી. પંડિત, પંકજભાઇ દુધરેજીયા, અલ્પેશ ગોસ્વામી તથા યાત્રાબેન રાઠોડ સામેલ થયા હતા.