- પતરા મારી જાહેર માર્ગ બંધ કરી દેતાં દબાણ હટાવ શાખા દોડી ગઈ’તી : વિજિલન્સ સાથે બોલાચાલી બાદ હુમલો કરી દેવાયો
રાજકોટના થોરાળા મેઇન રોડ પર આવેલા સ્વામીનારાયણ સ્કુલ પાસે પતરા મારીને જાહેર માર્ગ બંધ કરી દેવાતા દબાણ દુર કરવા ગયેલા મનપાના સ્ટાફ અને થોરાળા પોલીસ સ્ટાફ પર સાતેક શખ્સોએ ઝગડો કરી પથ્થરમારો કર્યો હતો. આ બનાવમાં એક મહીલા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાઇ હતી. તેમજ થોરાળા પીઆઈ ઘટનાસ્થળે પહોંચતા તેમને ટોળાએ ઘેરી લીધા હતા અને એક યુવાને પોલીસની સામે જ ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પણ હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતા વધુ પોલીસ સ્ટાફ બોલાવી ઘટના સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ એકતાબેન કીરીટભાઇ રાઠોડ બપોરે 1-30 વાગ્યે થોરાળા મેઇન રોડ ઉપર સ્વામીનારાયણ સ્કુલ પાસે મનપાની દબાણ હટાવો શાખાની ટીમ સાથે દબાણ દૂર કરવા ગયાં હતા. જેમાં અમુક શખ્સો દ્વારા પતરા મારીને જાહેર માર્ગદર્શન બંધ કરી દેવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સને આવ્યા હતા. આ પતરા કાઢી જાહેર માર્ગ ખુલ્લો કરવા જતાં ત્યાં હાજર ટોળાના પાયલ, શામજી મકવાણા, દીલો અને ચિરાગ સહીતનાઓએ ઘેરી લઇ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એકતાબેન ઘવાયા હતા. અને સરકારી વાહનોને પણ નુકશાન થયું હતું. તેમજ ટોળુ વીફરતા પીએસઆઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ સાથે પણ ઝપાઝપી કરી હતી.
આ ઘટનાને પગલે થોરાળા પોલીસ મથકના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓને પણ ટોળાએ ઘેરી લીધા હતા. ટોળામાંથી એક વ્યકિતએ જ્ઞાતી પ્રત્યે અપમાનીત કર્યાના આક્ષેપ સાથે પીઆઇની સામે જ ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર મામલે નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ તા.30/01/2024 ના રોજ બપોરે એકાદ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાના દબાણ હટાવ શાખાના કર્મચારીઓ/અધિકારીઓ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે નવા થોરાળા મેઇન રોડ સ્વામીનારાયણ સ્કુલની સામે નવા થોરાળા શેરી નં.5 માં મુખ્ય રોડ ઉપર લોકોની અવર જવરને અવરોધ થાય તે રીતે લોખંડનાં પતરાની દીવાલ કરી રસ્તો બંધ કરેલ હોય જેથી સદર લોખંડના પતરા હટાવવા જરૂરી હોય જેથી પોલીસ મદદ આપશો.જેથી થોરાળા પોલીસનો સ્ટાફ દબાણના સ્થળે દબાણ હટાવ કામગીરીમાં ગયેલ હતા. ત્યારે સદર જગ્યાએ રહેતા રહીશો જેમાં શામજીભાઇ મકાભાઇ મકવાણા તથા તેના મળતીયાઓએ મનપાના દબાણ હટાવ શાખાના કર્મચારીઓ તથા બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફ ઉપર ઇંટો તથા પથ્થરોના છુટ્ટા ઘા કરી હુમલો કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરેલ હતી. આ બનાવમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ એકતાબેન કિરીટભાઈને હાથના ભાગે અસ્થીભંગ જેવી ઈજા પહોંચી હરી અને મનપાના દબાણ હટાવ શાખાના કર્મચારીઓને ખોટા એટ્રોસીટીના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી.
શામજીભાઈ મકાભાઈ મકવાણા અને તેના મળતીયાઓએ અગાઉથી નક્કી કરેલ હોય તે રીતે સફેદ પ્રવાહી જેવુ ભરેલ બોટલ સાથે રાખી અમો પોલીસ સ્ટાફ તથા મહાનગરપાલિકાના દબાણ હટાવ શાખાના કર્મચારીઓને ડરવવા ધમકાવા સારૂ જાહેરમાં બે ઇસમોએ પીવાનું નાટક કરેલ હોય જેથી હેડ કોન્સટેબલ વિમલકુમાર ભીખાલાલએ શામજીભાઇ મકાભાઇ મકવાણા તથા તેના મળતીયાઓ જેમાં ચીરાગ શામજી મકવાણા, નાગેશ શામજી મકવાણા, દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ, કેવલ સોંદરવા, પાયલબેન સુનીલ ચાવડા, હેતલબેન નાગેશ મકવાણા વિરૂધ્ધમાં ફરીયાદ આપેલ હોય જેથી તે ફરીયાદ આધારે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી.કલમ 393, 332, 333, 324, 338, 186. 341, 342, 504, 143, 145, 147, 34, 120(બી) મુજબનો ગુન્હો રજિસ્ટર કરવામાં આવેલ છે.
મામલામાં આરોપી ચિરાગ શામજી મકવાણા, નાગેશ શામજી મકવાણા, પાયલ સુનિલ ચાવડા અને હેતલ નાગેશ મકવાણાની અટકાયત કરી લેવામાં આવી છે. બે આરોપી હાલ સારવાર હેઠળ છે જયારે મુખ્ય સૂત્રધાર શામજી મકા મકવાણા પોલીસ પકડથી દૂર છે. થોરાળા પોલીસે સમગ્ર મામલામાં દાખલારૂપ કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
લ્યો કરો વાત… પોલીસ પર હુમલા કરનાર પાયલનો પતિ હોમગાર્ડનો જવાન!!
પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ પર પથ્થર અને ઈંટ વડે હુમલો કરનાર તેમજ ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કરનાર તમામ આરોપીઓ પૈકી મહિલા આરોપી પાયલનો પતિ સુનિલ ચાવડા તાલુકા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવે છે. ઉપરાંત મુખ્ય આરોપી શામજી મકવાણાનો ભાઈ જીવણ પણ રાયોટ સહિતના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
મુખ્ય સૂત્રધાર શામજી મકવાણા અગાઉ બે વાર પોલીસ પર કરી ચુક્યો છે હુમલા
પોલીસ પર પથ્થરમારો કરવાના ગુન્હામાં મુખ્ય સૂત્રધાર તરીકે ઉપસી આવનાર શામજી મકા મકવાણાની અગાઉ પણ બે વાર પોલીસ પર હુમલાની ઘટનામાં સીધી સંડોવણી છે તેવું પોલીસ ચોપડે જ નોંધાયેલું છે. વર્ષ 2016માં રાયોટની ઘટનામાં પણ શામજી મકવાણા આરોપી છે. પોલીસના જણાવ્યા અનુસાર શામજી મકવાણાની ભાભી વિરુદ્ધ અગાઉ દેશી દારૂનો તેમજ ભાઈ પર વિદેશી બનાવટના દારૂનો અગાઉ કેસ થયેલો છે. ઉપરાંત કેવલ સમગ્ર વિસ્તારમાં દિલો બુટલેગર તરીકે જ પ્રખ્યાત છે અને અગાઉ હત્યા સહિતના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.