ધોરાજીના યુવકને ધોળા દિવસે આંખમાં મરચુ છાંટી અને હુમલો કરી રોકડ અને સોનાના ઘરેણાંની લૂંટ ચાલાવી’તી
સોનાના કારીગરે લૂટારૂને ટીપ આપતા સ્થાનિક શખ્સોએ દોઢ માસ સુધી રેકી કરી લૂંટને અંજામ આપ્યો’તો: જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો
જેતપુરમાં બે શખ્સો દ્વારા સોની વેપારીની આંખમાં મરચું છાંટી ૪૨ લાખની લૂંટ ચલાવી નાસી જવાની ઘટનામાં પોલીસે રાજકોટના ૪ શખ્સોને રાઉન્ડઅપ કરી તેમની લૂંટાયેલા સોનાનો મુદ્દામાલ કબજે કરી મુખ્ય સુત્રધાર સતિ ચાર શખ્સોની ધરપકડ કરી ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી પ્રાથમિક તપાસમાં સોનાના કારીગરે લૂંટારૂને ટીપ આ૫યાનું ખુલ્યુ છે.
જેતપુર શહેરમાં ધોરાજીના સોના ચાંદીના સેલ્સમેન પાસેથી રોકડ અને સોનુ મળી રૂ.૪૨ લાખના મુદ્દામાલની લૂંટ કરી બે શખશો હવામાં ઓગળી ગયા હતા. આ ઘટનામાં મુળ જેતપુરના અને હાલ રાજકોટ રહેતા શાકિર મુસાભાઇ ખરેડા અને સમીર હનિફભાઇ ચૌહાણની સંડોવણી બહાર આવતા પોલીસે બંનેની શોધખોળ આદરી છે પણ બંને જેતપુરના ખોડલધામ થઈને અજમેર તરફ નાસી ગયાનું પોલીસને મોબાઈલ લોકેશનનના તેમજ સીસી ફુટેજના આધારે જાણવા મળ્યું છે.
બીજીબાજુ શકિર અને સમીર સાથે છેલ્લે કોણ કોણ મોબાઈલ સંપર્કમાં હતું ? તેની પોલીસે તપાસ કરતા સાકીર મુશા ખરેળા, તેનો નાનો ભાઇ, તેના પીતા મુસાભાઇ, તેનો બનેવી , કેરીયર તરીકે કામ કરનાર સમીર હનીફ ચૌહાણ અને બાવાજી શખ્સોની સંડોવણી ખુલી હતી. જે પૈકી પોલીસે ચાર શખ્સોની રાઉન્ડઅપ કરી આકરી પૂછપરછ કરતા લૂંટાયેલ સોનાના દાગીના કાઢી આપ્યા હતા. જેનું પોલીસે સોની મહાજન પાસે તપાસ કરાવી અને તોલમાપ કરાવતા લૂંટાયેલ સોનાના દાગીના કરતા ઓછો વજન નીકળ્યો હતો. જેથી પોલીસે રાઉન્ડઅપ કરાયેલ શખ્સોની ફરીથી પૂછપરછ કરતા નવો મુદ્દામાલ નીકળ્યો ન હતો.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ રહેવા ચાલ્યા ગયેલ શાકિરનો નાનો ભાઈ, પિતા તેમજ બનેવી અને એક બાવાજી શખ્સને પોલીસે સોનાના દાગીનાના અડધા મુદ્દામાલ સાથે રાઉન્ડઅપ કર્યા છે. જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની મદદથી ગણતરીના દિવસોમાં ચાર શખ્સોની ધરપકડ કરી લૂંટનો ભેદ ઉકેલી પ્રાથમિક તપાસમાં સોની કામ કરતા કારીગરે ટીપ આપતા લુંટારૂ છેલ્લા દોઢ માસથી રેકી કરી લૂંટને અંજામ આપ્યો હતો.