બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ચાર શખ્સોની ગૌહત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. માનપુર ગામ નજીક ઢોરવાડા નજીક એક ગાયનો મૃતદેહ મળી આવતા રાગા મુંબડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસ કરતા ૪ શખ્સોની સંડોવણી બહાર આવી હતી. પોલીસે આ કેસમાં અયુબ વાગોડીયા, જમાલુદ્દીન વાગોડીયા, આરીફ વાગોડીયા અને ઈસ્માઈલ વાગોડીયાની અટકાયત કરી છે. આ તમામ ઉપર ગુજરાત એનીમલ પ્રોટેકશન એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
એક તરફ દેશભરમાં ગૌહત્યા મામલે મોટાપાયે હંગામો થઈ રહ્યો છે. તેવામાં ગુજરાતમાં ગૌહત્યાનો બનાવ બહાર આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ૧૦ દિવસ અગાઉ અંજારના મથડા નજીક બે ભાઈઓ ગૌહત્યા બાબતે ઝડપાયા હતા. આ બનાવ હજુ તાજો છે ત્યારે ફરી ચાર શખ્સોએ ધાર્મિક લાગણી દુભાવતુ કૃત્ય આચર્યું છે.
ગૌહત્યા અને ગૌરક્ષકો બાબતે સંસદથી લઈ દેશભરમાં ગરમા-ગરમી ચાલી રહી છે. ગાયોની હત્યા કરવાના કથીત આક્ષેપોમાં હિંસક ટોળાઓએ કેટલાય લોકોને મારમારી હત્યા કરી છે. ત્યારે ગુજરાતમાં ઉપરા-ઉપરી બે બનાવો બનતા પોલીસ પણ સાવચેત થઈ છે.