વયજૂથ પ્રમાણે જોઈએ તો જિલ્લામાં 30થી 39 વર્ષના 5.70 લાખથી વધુ મતદારો
રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો માટે પહેલી ડિસેમ્બરે મતદાન થવાનું છે. જિલ્લામાં કુલ 23,07,237 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દિવસરાત કામ કરી રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અંતિત મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે.
જે મુજબ રાજકોટ જિલ્લામાં 18થી 19 વર્ષની વયના કુલ 43,477 મતદારો નોંધાયા છે. જ્યારે 20થી 29 વર્ષની વયજૂથના 4,31,361 મતદારો છે. જો 30 વર્ષની નીચેના આ બંને વયજૂથની સંખ્યા સાથે ગણવામાં આવે તો, જિલ્લામાં 4,74,838 મતદારો થાય છે. જ્યારે 30થી 39 વયજૂથના 5,70,267 મતદારો છે. જિલ્લામાં આ વયજૂથમાં સૌથી વધુ મતદારો છે. 40થી 49 વયજૂથમાં 4,74,450 મતદારો, 50થી 59 વયજૂથમાં 3,67,632 મતદારો, 60થી 69 વયજૂથમાં 2,45,074 મતદારો તથા 70થી 79 વયજૂથમાં 1,22,800 મતદારો છે. રાજકોટ જિલ્લામાં 80 વર્ષથી વધુ ઉંમરના “બુઝુર્ગ” મતદારોની સંખ્યા 52,176 છે.
રાજકોટ જિલ્લામાં 40 વર્ષથી નીચેના કુલ મતદારો 10,45,105 થાય છે. જિલ્લામાં 11,96,897 પુરુષ મતદારો, 11,10,306 મહિલા મતદારો તેમજ થર્ડ જેન્ડરના 34 મતદારો છે.