એવા ડર્યા કે ૨૦૦૧ની યાદ આવી ગઇ…

સૌરાષ્ટ્રના સાત સહિત રાજ્યના કુલ ૧૨ જિલ્લાઓમાં ભૂકંપ: ત્રણ આફટર શોક પણ અનુભવાયા: એપી સેન્ટર ૨૦૦૧ના ભૂકંપથી ૧૫ કિ.મી. દૂર

ગુજરાતમાં ગઈકાલે રાત્રે ૮.૧૩ કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. કચ્છના ભચાઉ પાસે વોંધ ગામ નજીક એપી સેન્ટર ધરાવતા ૫.૩ની તીવ્રતાના આ ભૂકંપે માત્ર કચ્છ જ નહીં પરંતુ રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત પાટણ, બેચરાજી સહિતના ઉત્તર ગુજરાતના ભાગોને પણ હચમચાવી દીધા હતા. આ ભૂકંપના આંચકા છેક અમદાવાદ અને વડોદરા સુધી પણ અમુક સેકંડ સુધી અનુભવાયા હતા. જો કે, હજી સુધી જાનહાનિ કે માલ-મિલ્કતના નુકસાનના કોઈ સમાચાર નથી. આ આંચકાએ ૨૦૦૧ની સાલમાં ૨૬ જાન્યુઆરીએ પણ ભચાઉ નજીક જ એપી સેન્ટર ધરાવતા ૭.૭ની તીવ્રતાના ભૂકંપની દહેશતને યાદ અપાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, તે વખતે સવારે ૮.૪૬ કલાકે આવેલા ભૂકંપમાં આશરે ૧૪ હજાર લોકોના મોત થયા હતા.

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. તેની ગણતરીની સેક્ધડમાં બીજો આંચકો પણ આવ્યો હોવાનું લોકોનું કહેવાનું છે. આવી જ રીતે જૂનાગઢ શહેરમાં પણ ૫ સેક્ધડ સુધી ધરતી ધ્રુજી હતી. જામજોધપુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળે છે. હળવદમાં રાત્રે આવેલા ધરતીકંપના ૨ આંચકાના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પડી હોવાના અહેવાલો સાંપડી રહ્યાં છે જો કે કોઈ મોટું નુકશાન થયું ન હોવાનું જાણવા મળે છે. મોરબી, માળીયા, વાંકાનેર, હળવદ અને ટંકારા સહિતના મોરબી જિલ્લાના વિસ્તારોમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગીર-ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો બેડીયા નગડીયામાં કંપન થયું હતું. ગોંડલમાં પણ અમુક સેક્ધડ પુરતી ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

આ ભૂકંપની સૌથી વધુ અસર રાજકોટ જિલ્લામાં જોવા મળી છે. જિલ્લાના જેતપુર, વિરપુર(જલારામ), ધોરાજી, ઉપલેટા, જામકંડોરણામાં આંચકો અનુભવાયો છે. જેને પગલે લોકોમાં ચિંતાનું મોજું  ફરી વળ્યું હતું. જિલ્લામાં ૮ વાગ્યે અને ૧૪ મિનિટે ભૂકંપના બે આંચકા આવ્યા હતા. જ્યારે મોરબીમાં ૭ થી ૮ સેક્ધડ સુધી ધરા ધ્રુજી હતી. જ્યારે ઉપલેટામાં દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. મોરબીમાં પણ આટલી જ તીવ્રતાથી આંચકા અનુભવાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભારત ઉપરાંત જમાઈકા, જાપાન, ચીલી, અલબાનીયા, કેલીફોર્નિયા, હવાઈ, અલાસ્કા અને નોર્થ કોરિયામાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. ત્યારે વિશ્ર્વમાં ક્યાંક અણુ બોમ્બનું પરિક્ષણ થઈ હોવાની દહેશત પણ વ્યકત કરવામાં આવે છે.

ગુજરાતમાં ધરતીકંપના આંચકા અનુભવ્યાબાદ ૩૦ મીનીટ સુધી જમ્મુ-કાશ્મીરનાં કટરાથી પૂર્વમાં ૧૦ કીમી દૂર એપી સેન્ટર ધરાવતું ૨.૯ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રવિવારની રાત્રે ધરતીકંપના મધ્યમ અને નાના પ્રમાણના આંચકાઓનો અનુભવ ઉત્તર ભારતમા થયો હતો જો કે ૨.૧ની હળવી તીવ્રતાના આ આંચકાનો અનુભવ થયો હતો. ૮મી જૂને ગોરેગાંવ, હરિયાણા અને દિલ્હીમાં પણ આવા હળવા આંચકા અનુભવાયા હતા કુલ ૧૪ એક જેટલા આંચકાઓ નવી દિલ્હી આસપાસ છેલ્લા બે મહિનામાં અનુભવાયા છે. સૌથી મોટો આંચકો ૪.૫ની તીવ્રતાનો ભૂકંપનો અનુભવ હરિયાણાના રોહતંગમાં થયો હતો.

ધરતીની અંદર મોટાપાયે થઈ રહેલી હલચલ આ ભૂકંપનું કારણ હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. રાષ્ટ્રીયભૂસ્તર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધરતીપેટાળમાં સક્રિય થયેલી કેટલીક ફોલ્ટલાઈનના કારણે નેપાળ, અફઘાનિસ્તાનના હિન્દકુશ પર્વતમાળાઓના પેટાળમાં સરકતી પ્લેટોના કારણે આ ધરતીકંપ થઈ રહ્યા છે.

રાષ્ટ્રીય સીસ્મોલોજીસેન્ટરના મહાનિર્દેશક બી.કે.બેન્સલે આ માહિતી આપી હતી. આ સાથે અગાઉ બુધવારે વહેલી સવારે ૨.૧૫ મીનીટ દામાન નિકોબાર ટાપુના ડિગલીપૂર વિસ્તારમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જયારે મંગળવારે સવારે ૮.૬ કલાકે જમ્મુ કાશ્મીરનાં શ્રીનગરથી ૧૪ કીમી દૂર એપી સેન્ટર ધરાવતું ભૂકંપ નોંધાયું હતુ.

ન ઘરમાં રહેવાય, ન બહાર નીકળાય

મહામારીના કારણે એક તરફ લોકો પહેલેથી ચિંતામાં છે ત્યારે ગઈકાલના ભૂકંપના કારણે લોકો અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા હતા. મહામારીના પગલે કામ વગર બહાર ન નીકળવાની તકેદારી રાખવાની થાય છે. બીજી તરફ ગઈકાલ રાત્રે આવેલા ભૂકંપના કારણે અનેક લોકો ઘરની બહાર પણ નીકળી ગયા હતા. ભૂકંપ બાદના ફફડાટને પરિણામે ઘરમાં રહેવાય નહીં અને બહાર નીકળાય નહીં તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. વર્ષ ૨૦૦૧માં ૨૬મી જાન્યુઆરીએ વહેલી સવારે આવેલા ભૂકંપમાં હજ્જારો લોકોના મોત નિપજયા હતા. આ ઘટનાનો ભય હજુ પણ લોકોના મનમાં હોવાથી ગઈકાલના ભૂકંપ બાદ લોકોની સ્થિતિ કપરી બની હતી.

મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરી સતર્ક રહેવા સૂચના આપી

ભૂકંપને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ, કચ્છ અને પાટણના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોન તાત્કાલિક વાતચીત કરીને પરિસ્થતિની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ કલેક્ટરોને સતર્ક રહેવાની તાકીદ કરી હતી અને આ આંચકાઓને કારણે કોઈ નાનું મોટું નુક્સાન થયું હોય તેની વિગતો મેળવવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ક્ધટ્રોલ રૂમ પણ વધુ સઘન રીતે કાર્યરત કરી દેવા સૂચન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.