ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી ૨૬ કિમી દૂર નોંધાયું: મોડીરાતે કચ્છના ભચાઉમાં પણ ૨.૨નો આંચકો આવતા લોકોમાં ફફડાટ
આજે સવારે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે સવારે ૯.૪૬ વાગ્યે ૪.૩ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદું કચ્છના ખાવડા નજીક નોંધાયું હતું. તેમજ ગઈ કાલે રાતે પણ કચ્છના ભચાઉમાં હળવો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે ૯:૪૬ વાગ્યે કચ્છના ખાવડામાં ધરા ધ્રુજી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી ૨૬ કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.ગઈકાલે રાત્રે પણ ભચાઉમાં ૨.૧૯ વાગ્યે પણ આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર ૨.૨ ની તીવ્રતા નોંધાઇ હતી. જેનું ભચાઉથી ૧૨ કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર નવાર લોકો કંપનો અનુભવી રહ્યા છે ત્યારે વારંવાર આવતા આંચકાઓથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે જો કે ખાવડામાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.