અબતક, રાજકોટ : કચ્છમાં ગઈકાલે બપોરે આવેલ ભૂકંપથી ધરાધ્રુજી હતી. જેનો રિક્ટર સ્કેલ 4.2 મેગ્નીટ્યુડ આંકવામાં આવ્યો હતો. બપોરે 3 વાગીને 45 મિનિટ પર આવેલ આ ભૂકંપથી કોઈ પણ પ્રકારના જાનમાલનુ નુકશાનના સમાચાર નથી. ભૂકંપનુ કેન્દ્ર ભચાઉથી 11 કિલોમીટર ઉત્તર પૂર્વમાં હતુ.
ગુજરાતના કચ્છ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે ગઈકાલે બપોરે 3.45 મિનિટે ભૂજની ધરા ધ્રૂજતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક તરફ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલમાં ભૂકંપમાં ધરા ધ્રૂજી રહી છે.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું જણાયું હતું જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંન્દુ વામકાથી 11 કિ.મી દૂર નોંધાયું છે. મહત્વનું છે કે સવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપની આંચકા નોંધાયા હતા. કચ્છમાં ફરી ધરા ધ્રૂજતા કચ્છવાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ભૂકંપ ઝોન 5માં આવતો કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે કંપી રહ્યો છે. જેમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોકનો આંકડો હજારોની સંખ્યાને પાર પહોંચી જવા પામ્યો છે. ત્યારે આજે વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે 4.20 મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે 2.6ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સોનિતપુર એટલે કે આસામમાં સવારે 2.40 મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા 4.1ની રહી હતી. ચંદેલ એટલે કે મણિપુરમાં 1.06 ના સમયે 3.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.