• સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં ખંઢેરી સ્થિત સ્ટેડિયમ પર ભારત ટેસ્ટમાં અજેય
  • બેટસમેનો માટે સ્વર્ગ સમી વિકેટ પર ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બેટીંગ કરશે:  સૌરાષ્ટ્રભરનાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્તેજના

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી ભારત અને  ઈગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ  મેચનો આરંભ થશે.

હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર હોય ટેસ્ટ શ્રેણીનું પરિણામ નકકી કરવામાં રાજકોટ ટેસ્ટ મહત્વનું  પરિબળ સાબિત થશે બંને ટીમોએ ગઈકાલે આકરી નેટ પ્રેકિટસ કરી હતી અને જીતના દાવા રજૂ કર્યા હતા. બેટસમેનો માટે સ્વર્ગસમી ખંઢેરીની વિકેટ પર ટોસ જીતનાર સુકાની પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લેશે તે નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે. રાજકોટમાં ટેસ્ટમાં  ભારત હજી સુધી અજેય છે.ઈગ્લેન્ડની ટીમ પાંચ ટેસ્ટની શ્રેણી રમવા માટે ભારતના પ્રવાસે આવી છે. હૈદરાબાદ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં મહેમાન ઈગ્લેન્ડની ટીમનો 28 રને વિજય થયો  હતો.

જયારે વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે વાપસી કરતા ઈગ્લેન્ડને 106 રને પરાજય આપ્યો હતો. આવતીકાલથી ખંઢેરી સ્થિત એસસીએના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચનો આરંભ થશે સિરીજમાં લીડ મેળવવા બંને ટીમો મરણીયો પ્રયાસ કરશે.ખંઢેરી સ્ટેડિયમ ખાતે વર્ષ 2016માં ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે  પ્રથમ ટેસ્ટ મેચ રમાય હતી જે ડ્રોમાં  પરિણમી ંહતી જયારે  2018માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી  ટેસ્ટમાં ભારતે વિન્ડિઝની ટીમને એક ઈનીંગ અને 272 રને પરાજય આપ્યો હતો. છ વર્ષનાં લાંબા અંતરાલ બાદ એસસીએ ને ટેસ્ટ મેચની  યજમાની કરવાની તક મળી છે. રાજકોટમાં ભારત ટેસ્ટમાં  અજેય રહેવાનો રેકોર્ડ  ધરાવે છે.  ખંઢેરીની વિકેટ બેટસમેનોને યારી આપવા માટે જાણીતી છે. ટવેન્ટી 20, વનડે કે પછી ટેસ્ટ મેચ હોય અહીં હંમેશા રનના ઢગા  થાય છે.

આવામાં   કાલથી શરૂ  થતી ત્રીજી ટેસ્ટ મેચમાં જે ટીમના સુકાની ટોસ જીતશે તે બેટીંગ કરવાનો  નિર્ણય લેશે શરૂઆતમાં ખંઢેરીની વિકેટ બેટસમેનોને યારી આપશે ત્યારબાદ સ્પીનરોને થોડા ઘણા અંશે મદદરૂપ થવાની  સંભાવના છે.

હાલ બંને ટીમો ઈજાની સમસ્યાનો સામનો કરી રહી છે. ભારતીય ટીમને  ઈજા વધુ સતાવી રહી છે. કે.એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર સહિતના  કેટલાય ખેલાડીઓ હજી અનફીટ છે. આવામાં  દેવદત પડિકલને ટીમમાં સ્થાન મળી શકે તેવી પ્રબળ સંભાવના છે. આવતીકાલે સવારે 9 કલાકે ટોસ ઉછાળવામાં આવશે. જયારે  9.30 કલાકે મેચનો આરંભ થશે.

ભારતની  ટીમ

રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર, સરફરાજ ખાન, શ્રીકર ભરત,  આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ

ઇંગ્લેન્ડ ટીમ

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરિસ્ટો, બેન સ્ટોક્સ, બેન ફોકસ, રેહાન એહમદ, ટોમ હાર્ટલી, સોયબ્ બશીર, જેમ્સ એન્ડરસન , માર્ક વુડ, ડેનિયલ લોરેન્સ, ગસ એટિંકસન , ઓલી રોબિન્સન

મેચ દરમિયાન અનિચ્છનીય બનાવ અટકાવવા 242 પોલીસ અધિકારી-કર્મચારીઓનો ચાંપતો બંદોબસ્ત

મેચ દરમિયાન કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી રાજકોટ રેંન્જના પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવની સુચના અનુસાર રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના નીરીક્ષણ હેઠળ 1 એસ.પી., 3 ડી.વાય.એસ.પી, 4 પી.આઇ., 24 પી.એસ.આઇ, 84 પોલીસ કર્મચારી, 38 મહીલા કર્મચારીઓ, ટ્રાફીક શાખાના 33 કર્મચારીઓ, ટી.આર.બી.ના 25 તથા જી.આર.ડીના 30 સહીત કુલ 242 અધિકારી-કર્મચારીઓ તેમજ ખાનગી સીક્યુરટીના માણસો સહીતનો ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

આ ઉપરાત રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી, એસ.ઓ.જી ટીમ તેમજ બી.ડી.ડી.એસ ની ટીમ, સી.સી.ટી.વી સર્વેલન્સની ટીમ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. તેમજ સ્ટેડીયમમાં પ્રવેશવાના ગેઇટ પર ચેંકીગ માટે 35 એચ.એચ.એમ.ડી તેમજ 2 બેગર્સ સ્કેનર તેમજ 18 ડી.એફ.એમ.ડી.નો ઉપયોગ કરવામા આવનાર છે. ગ્રાઉન્ડની અંદર અન-અધિક્રુત રીતે પ્રવેશ કરનાર તેમજ મેચમા કોઇ વિક્ષેપ પાડનાર કે ગ્રાઉન્ડની અદર કોઇપણ પ્રકારનો પદાર્થ ફેકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે તેવું રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જણાવવામા આવ્યું છે.

આજે એસસીએ સ્ટેડિયમનું નિરંજન શાહ નામાભિધાન

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમનું આજે નિરંજન શાહ નામકરણ કરવામાં આવશે. આ તકે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્રના પ્રતિભાવંત ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે નિરંજનભાઈ શાહે ખૂબજ મહેનત કરી છે. ખંઢેરી ખાતે અત્યાધુનીક સુવિધાથી સજજ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં પણ મુખ્ય ફાળો નિરંજનભાઈનો રહ્યો છે.  સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમીઓ પર તેઓનું ખુબજ મોટુ ઋણ છે.

એસસીએ દ્વારા  ખંઢેરી  સ્ટેડિયમને નિરંજન શાહ નામ આપવાનો   ખુબજ આવકારદાયક નિર્ણય લીધો છે. આજે સાંજે  6.30 કલાકે યોજનારા નામાભીધાન સમારોહમાં બીસીસીઆઈના સેક્રેટરી જયભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં સ્ટેડિયમનું નિરંજન શાહ સ્ટેડિયમ  નામકરણ કરવામાં આવશે. આ તકે ઈન્ટરનેશનલ લેવલે સૌરાષ્ટ્રનું નામ રોશન કરનાર  સૌરાષ્ટ્રના સાવજ ચેતેશ્ર્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાનું  સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત  રણજી ટ્રોફીમાં  ગત વર્ષ ચેમ્પીયન બનનારી સૌરાષ્ટ્રની ટીમના સુકાની જયદેવ ઉનડકટ સહિતની ટીમનું સન્માન  કરાશે. કાલથી હવે એસસીએ સ્ટેડિયમ નિરંજન શાહ સ્ટેડિયમથી ઓળખાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.