મુખ્યમંત્રી રૂપાણી અને આરોગ્ય મંત્રી હર્ષવર્ધનનાં હસ્તે લોકાર્પણ થશે: સર્વરોગ સારવાર કેમ્પ પણ યોજાશે
પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત આગામી તા. ૨૮ડિસેમ્બરને શનિવાર ના રોજ સિવિલ હોસ્પિટલ રાજકોટના પ્રાંગણમાં નવનિર્મિત સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે થનાર છે. આ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે તા.૨૮ને શનિવારના રોજ બપોરે ૨.૩૦ કલાકથી સુપર સ્પેશિયાલીટી તથા સ્પેશીયાલીટી સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન નવી ઓ.પી.ડી. બિલ્ડીંગ (પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ) રાજકોટ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્ર્મે યોજવામાં આવેલ છે.
સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં સુપર સ્પેશિયાલીસ્ટ વિભાગ જેવા કે કેન્સર, યુરોલોજી, નેફોલોજી, કાર્ડીયોલોજી, ગેસ્ટ્રોલોજી, ન્યુરોસર્જરી, બાળકોના હાડકાના જેવા સુપર સ્પેશિયાલીસ્ટ વિભાગના ખ્યાતનામ તજજ્ઞ ડોકટરો ઉપસ્થિત રહી દર્દીઓને વિના મુલ્યે તપાસવામાં આવશે. તેમજ સાથે સાથે મેમોગ્રાફી ટેસ્ટ ( સ્તન કેન્સર) અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે પેપસ્મીયર ટેસ્ટ જે ૪૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે ઉક્ત ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. તો ૪૦ વર્ષથી વધારે ઉમરની મહિલાઓ ઉક્ત મેમોગ્રાફી ટેસ્ટનો લાભ લેવો તેવુ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ સુપર સ્પેશિયાલીટી કેમ્પમાં અમદાવાદની ખ્યાતનામ કિડની હોસ્પિટલ, યુ.એન.મહેતા કાર્ડીયોલોજી હોસ્પિટલ તથા કેન્સર હોસ્પિટલમાંથી તજજ્ઞોની ટીમ પણ સેવા આપવા ઉપસ્થિત રહેનાર છે. જેથી તમામ લાભાર્થીઓને આ સેવા યજ્ઞનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ચૌધરી હાઈસ્કુલના કમ્પાઉન્ડમાં કરવામાં આવેલ છે. જેમાં સ્પેશિયાલીસ્ટ વિભાગ જેવા કે ચામડી, બાળકો, હાડકા, આંખો, હ્રદય રોગ, કાન-નાક-ગળું, સ્ત્રી રોગ તથા લેબોરેટરી વિભાગોના તજજ્ઞ ડોક્ટરો ઉપસ્થિત રહી દર્દીઓને વિના મુલ્યે તપાસવામાં આવશે. તો જરૂરિયાતમંદ દર્દીઓએ ઉક્ત કેમ્પનો લાભ લેવા ડીન, પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટની યાદીમાં જણાવાયું છે.