• વાલીઓએ 22 એપ્રિલ સુધીમાં જે તે શાળામાં જઈને પ્રવેશ ક્ધફર્મ કરાવવાનો રહેશે

રાઈટ ટુ એજ્યુકેશન આરટીઈ અંતર્ગત રાજ્યના 39979 વિદ્યાર્થીઓને ધોરણ-1માં પ્રવેશ ફાળવણી કરવામાં આવી છે.આરટીઈ અંતર્ગત ધોરણ-1ની કુલ 45170 બેઠકો સામે 1.72 લાખ અરજીઓ માન્ય રહી હતી. જેમાંથી 39979 વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયો છે, જ્યારે 5191 બેઠકો પસંદગીના અભાવે ખાલી પડી છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે તેમના વાલીઓને મેસેજ દ્વારા પ્રવેશ ફાળવણીની જાણ કરવામાં આવી છે.

વાલીઓએ 22 એપ્રિલ સુધીમાં જે તે શાળામાં જઈને પ્રવેશ ક્ધફર્મ કરાવવાનો રહેશે. પ્રવેશ ક્ધફર્મ નહીં કરાવનારા વિદ્યાર્થીઓને ફાળવાયેલો પ્રવેશ રદ ગણાશે અને તેઓ ત્યારપછીના રાઉન્ડમાં પ્રવેશ માટે હકદાર રહેશે નહીં. આરટીઈમાં પ્રવેશ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોની 25 ટકા પ્રમાણે ધોરણ-1માં પ્રવેશ ફાળવવા માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં ચાલુ વર્ષે રાજ્યની 9828 પ્રાથમિક સ્કૂલોની 45170 બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સમગ્ર રાજ્યમાંથી 235387 જેટલા ફોર્મ ભરાયા હતા.

ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન જ જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન 20944 ફોર્મ અમાન્ય રહેતા તેમને ખુટતા ડોક્યુમેન્ટ સબમીટ કરવા માટેની મુદત આપવામાં આવી હતી. આ દરમિયાન 8734 જેટલા અરજદારોએ ખુટતા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા. ત્યારબાદ આ ફોર્મની પુન: ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તમામ ફોર્મની ચકાસણીના અંતે 172675 જેટલા ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે 15319 ફોર્મ અધુરા દસ્તાવેજો જેવા જુદા જુદા કારણોસર અમાન્ય રહ્યા હતા. જ્યારે 47393 જેટલા ફોર્મ અરજદારો દ્વારા કેન્સલ કરવામાં આવ્યા હતા.

અરજદારો દ્વારા એક કરતા વધુ વખત ફોર્મ ભર્યા હોવાના લીધે તેઓ એક ફોર્મ માન્ય રાખી બીજા ફોર્મ કેન્સલ કરતા હોવાથી મોટી સંખ્યામાં ફોર્મ કેન્સલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ફોર્મ ભરવા અને ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની પસંદગી અને 6 કિ.મી.ની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈને પ્રથમ રાઉન્ડમાં 39979 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે 5191 જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે.

ખાલી પડેલી જગ્યાઓ પર બીજજો રાઉન્ડ થોડા દિવસમાં જાહેર કરાશે

શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈમાં પ્રથમ રાઉન્ડની પ્રવેશની ફાળવણી કરી દીધી છે. આ રાઉન્ડની ફાળવણી બાદ પસંદગીના અભાવે 5191 જગ્યા ખાલી પડી છે. પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ પર વધુમાં વધુ નબળા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણી શકાય તે માટે જે બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો નથી તેવા અરજદારોને બીજા રાઉન્ડ પુર્વે શાળાઓની પુન: પસંદગીની તક આપવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડની નિયમાનુસાર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.